અરવલ્લી જિલ્લામાં ભારે સાથે સાર્વત્રિક વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી છવાયેલા કાળાડિબાંગ વાદળોની હાજરી પણ જોવા મળી હતી. 22 કલાકમાં 9 તાલુકામાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં વિજયનગરમાં 7 મીમી, ખેરાલુ અને મોડાસામાં 3-3 મીમી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને સમીમાં 2-2 મીમી, ચાણસ્મા, થરાદ અને ઇડરમાં 1-1 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે બહુચરાજી સહિતના વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી માહોલ વચ્ચે ગરમીનું પ્રમાણ સવા ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ મુખ્ય 6 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી નીચે આવ્યો હતો. બપોરે ભેજનું પ્રમાણ 55% આસપાસ રહેવાના કારણે ઘટેલા તાપમાન છતાં અસહ્ય ઉકળાટ રહ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, 27 અને 28 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 27 જૂનને મંગળવારે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.