પ્રેમીને પામવા પત્ની પતિને રોજ સ્લો પોઈઝન આપતી હતી
અમદાવાદ, કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. પણ આવા આંધળા પ્રેમના અંત પણ કરુણ આવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકયા છે. એ પછી દિલ્હીનો શ્રદ્ધા વાલકર મર્ડર કેસ હોય કે, પછી મુંબઈનો મીરા રોડ પરનો સરસ્વતી વૈદ્ય મર્ડર કેસ. ખેર, આમ તો આ બંને કેસ લિવ ઈન રિલેશનમાં રહેતાં કપલનો હતો. પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં પત્નીએ પોતાના પ્રેમીને પામવા માટે પતિનો કાંટો દૂર કરવા ભયંકર પ્લાન બનાવ્યો હતો,
જેની આગળ ભલ ભલા કિલર પણ પાણી ભરે એવી યોજના પત્નીએ બનાવી હતી. આ કિસ્સો અમદાવાદના નિકોલ વિસ્તારનો છે. પત્ની દરરોજ પોતાના પતિને મિલ્ક શેકમાં સ્લો પોઈઝન આપતી હતી. પણ એક દિવસ બાથરુમમાંથી અજાણ્યો ફોન મળ્યો અને આખી ગેમ ઓવર થઈ ગઈ. પતિને વાતની ખબર પડી ગઈ કે તેની પત્નીએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું છે. એટલે પતિ સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. એ પછી આ કપલે ફેમિલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને છૂટાછેડા માટે અરજી કરી હતી.
આ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને પછી છૂટાછેડા મંજૂર કર્યા હતા. અહેવાલ મુજબ, અમદાવાદના નિકોલમાં રહેતા મિત નામના યુવકે ૨૦૧૦માં મોના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૧માં મોનાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ પછી તેમના લગ્ન જીવનમાં બધુ સરખુ ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી બંને વચ્ચે વારંવાર કજિયા થતા હતા. થોડા દિવસો પહેલાં મિત સાથે કંઈક થવા લાગ્યું.
તેની તબિયત બગડવા લાગી હતી અને વારંવાર ઊંઘ આવવા સહિતની કેટલીક તકલીફો શરુ થઈ ગઈ હતી. મિત સાથે આવું બધું કેમ થતું હતું એ જાણતો નહોતો. પણ એક દિવસ આનો પણ ભાંડો ફૂટી ગયો. થોડા મહિના પહેલાંની વાત છે, એ સવારે મિત સૂઈ રહ્યો હતો અને તેની પત્ની મોના બાથરુમમાં ન્હાવા માટે ગઈ હતી. જ્યારે મોના ન્હાઈને બહાર આવી એ પછી મિત બાથરુમમાં ગયો હતો. એ વખતે બાથરુમમાં પડેલાં એક મોબાઈલ પર મિતનું ધ્યાન ગયું હતું. પહેલાં તો આ મોબાઈલ જોઈને મિતને નવાઈ લાગી કે, હશે કોનો? પરંતુ મિતને આ વાત સમજવામાં ઝાઝો સમય લાગ્યો નહીં.
તેને તરત જ ખબર પડી ગઈ કે આ મોબાઈલ તેની પત્ની મોના સિવાય બીજા કોઈનો ન હોઈ શકે. એટલે મિતે મોબાઈલ નંબર ચેક કર્યો, તો નંબર પણ નવો હતો. એ પછી તેની શંકાઓ વધવા લાગી અને તેણે મોબાઈલ ફોન ફેંદવાનું શરુ કર્યું. વોટ્સએપ ખોલ્યું અને ચેટ વાંચી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે, મિતને ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હોય, એવી સ્થિતિ હતી. પત્ની પરનો વિશ્વાસ તૂટી ગયો હતો. મોના કયારેય આવું પણ કરી શકે, એ જાણીને મિતને જોરદાર આઘાત લાગ્યો હતો.
વોટ્સએપમાં મોનાએ એક યુવક સાથે ચેટ કરી હતી અને એ ચેટ વાંચીને જ કોઈને પણ ખબર પડી જાય કે એ અજાણ્યો યુવક બીજો કોઈ નહીં પણ તેનો પ્રેમી હતો. મોનાએ તેના પ્રેમીને એવો વોટ્સએપ મેસેજ કર્યો હતો કે, આજે પાંચ ગોળીઓ આપી છે, હવે એની પાસે વધારે સમય રહ્યો નથી. થોડા જ સમયમાં તેનો ખેલ પૂરો થઈ જશે. મોના આવા પ્લાન બનાવી શકે એ જાણીને મિત પડી ભાંગ્યો હતો, એટલે તેણે આ વાતની જાણ પોતાના પરિવારને કરી હતી. મિતની વાત જાણીને પરિવારના સભ્યોને પણ આંચકો લાગ્યો હતો. આખરે પરિવારના તમામ સભ્યો એકઠાં થયા અને મોનાની લેફ્ટરાઈટ લેવાનું શરુ કર્યું.
જ્યારે મોનાએ તેના કાવતરાનો ખુલાસો કર્યો તો પરિવારના લોકોની આંખો પણ પહોળી થઈ ગઈ કે, તે આટલી હદે જઈ શકે છે. મોનાએ કબૂલાત કરી કે, છેલ્લાં કેટલાંક સમયથી તે એક યુવકના પ્રેમમાં છે. આ પ્રેમ પ્રકરણમાં મિત આડખીલી બની રહ્યો હતો. એટલે તેણે મિતને સ્લો પોઈઝન આપવાનું શરુ કર્યું હતું. પરિવારે મોનાને પૂછયું કે, સ્લો પોઈઝનમાં તે શું આપતી હતી. ત્યારે મોનાએ જણાવ્યું કે, ઊંઘની ગોળીઓ, એક્સપાયર થઈ ગયેલી કેટલીક દવાઓ અને કેમિકલ. આ બધી ચીજવસ્તુઓ તે મિતને પ્રોટીન શેકમાં આપતી હોવાથી તેને પણ કોઈ શંકા ગઈ નહોતી.
મોનાનો પ્લાન ઊઘાડો પડી ગયો હતો અને તે એક વાત સારી રીતે જાણતા હતા કે, હવે તેની સાસરી પક્ષના લોકો તો શું મિત પણ તેને રાખવા માટે તૈયાર નહીં હોય. એટલે તેણે બધાની વચ્ચે માફી માગી હતી અને બાંયધરી આપી હતી કે, હવેથી આવું કંઈ નહીં થાય. પરંતુ મોનાનું કાવતરું જાણ્યા બાદ પરિવારના સભ્યોને એ વાતનો ડર હતો કે, તેઓ કદાચ મિતને ગુમાવી ન બેસે. આખરે મિતે મોના સાથેથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. પછી બંને ફેમિલી કોર્ટમાં પહોંચ્યા હતા અને અરજી કરી હતી. બીજી તરફ, ફેમિલી કોર્ટે પણ હકીકત જાણ્યા બાદ અરજીને ગ્રાહ્ય રાખી હતી અને છૂટાછેડા મંજૂર કર્યા હતા. હવે, મિત અને તેના પરિવારના સભ્યો કોર્ટની મંજૂરી બાદ ખુશ છે. (ઓળખ છૂપાવવા માટે તમામ નામ બદલ્યાં છે)