અરવલ્લીના મેઘરજ-માલપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી
અરવલ્લી જિલ્લામાં બિપરજોય વાવાજોડા બાદ વરસાદ થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. ત્યારબાદ અસહ્ય ગરમી પડવા લાગી હતી અને પ્રજાજનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ખેડૂતોએ પણ ખેતરો ખેડીને તૈયાર કર્યા છે અને એ પણ હવે ક્યારે વરસાદ આવે એની રાહમાં હતા. ત્યારે જિલ્લાના માલપુર મોડાસા અને મેઘરજ તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
મેઘરજ અને મોડાસા તાલુકામાં આજે બપોરે એકાએક વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું હતું. માલપુરના સજ્જનપુરા કંપા, ગોવિંદપુર, માલપુર નગરમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે મેઘરજના મેઘરજ નગર સહિત લિબોદ્રા, કૃષ્ણપુર, ઇસરી, તરકવાળા, જીતપુરમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે મોડાસાના લીંભોઈ અને વણીયાદ પંથકમાં વરસાદ ખાબક્યો છે. મોડાસા શામળાજી હાઇવે પર વરસાદના કારણે પાણી ભરાયા છે. ત્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.