આસામમાં પૂરના કારણે હાહાકાર, 5 લાખથી વધુ અસરગ્રસ્ત; આ વિસ્તારોમાં મૃત્યુનું વધ્યું જોખમ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આસામમાં આજે પણ પૂરની સ્થિતિ ગંભીર રહી જોવા મળી રહી છે. આ પૂરથી અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત  થયા છે. એક સત્તાવાર અહેવાલમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે. બીજી તરફ, પ્રાદેશિક હવામાન વિભાગે શનિવારે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ ચેતવણી જારી કરી હતી.

સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના અહેવાલ મુજબ, બ્રહ્મપુત્રા નદી નેમાટીઘાટ (જોરહાટ), પુથિમારી (કામરૂપ) અને પાગલડિયા (નલબારી) ખાતે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. એક સત્તાવાર અહેવાલ મુજબ, આસામના 16 જિલ્લાઓમાં 4.88 લાખથી વધુ લોકો હાલમાં પૂરથી અસરગ્રસ્ત છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, પૂરની સૌથી વધુ અસર બાજલી સબ-ડિવિઝનમાં થઈ છે.

અહીં લગભગ 2.67 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે, જ્યારે નલબારીમાં 80,000 અને બારપેટા જિલ્લામાં 73,000 લોકો લપેટામાં આવ્યા  છે. અહેવાલમાં જણાવાયું છે કે 140 રાહત કેમ્પમાં 35,000 થી વધુ લોકોએ આશ્રય લીધો છે, જ્યારે અન્ય 75 રાહત વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), સિવિલ ડિફેન્સ, બિન-સરકારી સંસ્થાઓ (NGO) અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરીમાં સાથ આપી રહ્યા છે.

અહેવાલો અનુસાર, વીતેલા 24 કલાકમાં વિશ્વનાથ, દરરંગ અને કોકરાઝાર જિલ્લામાં પાળા તૂટી ગયા છે અને ભારે નુકસાન થયું છે. જયારે, બાજલી, બક્સા, બરપેટા, કચર, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ગોલપારા, કરીમગંજ, કોકરાઝાર, માજુલી અને નલબારી સહિતના વિવિધ જિલ્લાઓમાં રસ્તાઓ, પુલ અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. આ ઉપરાંત બક્સા, વિશ્વનાથ, બોંગાઈગાંવ, ચિરાંગ, ધુબરી, કોકરાઝાર, ડિબ્રુગઢ, શિવસાગર, સોનિતપુર, દક્ષિણ સલમારા, ઉદલગુરી અને તામુલપુર જિલ્લામાં પણ જમીન ધોવાણ જોવા મળ્યું છે. અહેવાલોમાં જણાવાયું છે કે શહેરોમાં ભૂસ્ખલન અને પૂરના પણ જુદા જુદા ભાગોમાંથી અહેવાલ સામે આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.