સુદામા ચોકડીથી સાંઈબાબા લિંક રોડ દોઢ માસમાં જ બિસમાર

પાટણ
પાટણ

પાટણ શહેરમાં અંદરના અને હાઈવે વિસ્તારના માર્ગો તાજેતરમાં વરસાદી પાણીથી ઢંકાઈ ગયા હતા જે હાલમાં તો ખુલ્લા થઈ ગયા છે પરંતુ આગામી ચોમાસામાં વરસાદના સંજોગોમાં ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ જશે તેવી શક્યતા એન્જિનિયર કક્ષાના તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શહેરના ચાણસ્મા હાઇવે હારિજ લિંક રોડ ગુજરાત સ્થાપના દિવસે યુદ્ધના ધોરણે ધોરણે રીસરફેસિંગ કરીને વ્યવસ્થિત બનાવી દેવાયો હતો પરંતુ માત્ર દોઢ બે માસમાં જ ફરી હાલત ખરાબ થઈ જવા પામી છે. શહેરના અંદરના વિસ્તારોના 56 જેટલા માર્ગોના કામો મંજૂર તો થઈ ગયા છે પરંતુ તેની સ્થિતિ બિરબલની ખીચડી જેવી જણાઈ રહી છે.કેમકે હજુ તો ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. રસ્તાના કામો શરૂ ક્યારે થશે અને પુરા ક્યારે થશે તે સવાલ ઉઠી રહ્યો છે.

સુદામા ચોકડીથી હારીજ લિંક રોડ ઘણા સમયથી બિસ્માર હતો. મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે વાહનોને પસાર થવામાં તકલીફ પડી રહી હતી. લોકો ત્રાસી રહ્યા હતા પરંતુ છેવટે રાજ્યકક્ષાના સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને રાજ્યપાલ આવનાર હોવાથી તાત્કાલિક ધોરણે રી સરફેસિંગ કરી દેવાયો હતો પરંતુ તેના ટૂંકા ગાળામાં રસ્તાની હાલત ફરીથી બગડી છે અને ખાડા પણ પડી ગયા છે. સુદામા ચોકડીથી છેક સાંઈબાબા આ લિંક રોડ સુધી મોટા ભાગનો રસ્તો ખરાબ છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર રાઠોડનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે આ રસ્તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તક છે.

શહેરમાં રસ્તાઓની હાલત પાછલા બે ત્રણ વર્ષથી ખરાબ થયેલી છે અને નવા થશે નવા થશે તેને પ્રતીક્ષામાં નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની અઢી વર્ષની મુદત પૂરી થવા આવી છે ત્યારે હજુ તો માંડ માંડ પેચવર્ક અને કેટલાક રસ્તાઓના કામ જે જૂના મંજૂર થયા હતા તે શરૂ થયા છે. હાલના શાસકોની અઢી વર્ષની કવાયત સમાન આયોજિત કામોની દરખાસ્ત આખરે હમણાં પાલિકાની સ્થાનિક કમિટી દ્વારા મંજૂર કરી છે અને તેમાં 56 જેટલા રસ્તાઓના કામોનો સમાવેશ થાય છે .

શહેરમાં રેલવેના યુનિવર્સિટી ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેના સર્વિસ રોડની હાલત હજુ પણ ખરાબ છે.તાજેતરમાં જે જગ્યાએ ખાડા પડ્યા હતા તે સ્થળે કપચી નાખી હતી પરંતુ અધકચરી કામગીરીના કારણે વાહનોની સતત અવરજવરના કારણે તે કપચી ખાડામાંથી ફેંકાઈ રહી છે અને નાના વાહન સ્લીપ ખાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેટલોક ભાગ પાલિકા દ્વારા બ્લોક કાઢીને પહોળો કરાયો છે.

શહેરના રસ્તાઓ અંગે ચીફ ઓફિસર સંદીપ પટેલના જણાવ્યા અનુસાર મોટાભાગના કામોના ટેન્ડર થયા છે એટલે આગળની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે.પાલિકા બાંધકામ ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલે જણાવ્યું કે પ્રથમ યાદીના કામોના ટેન્ડર ચાલુ માસના અંત સુધીમાં ખુલી જશે જ્યારે બીજી યાદીમાં 36 જેટલા ડામર રસ્તાના કામો છે તેનું ટેન્ડર આવતા મહિનામાં કરાશે. હવે પછી ચોમાસુ શરૂ થશે એટલે ડામર કામ દશેરા પછી થઈ શકશે પરંતુ કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ વગેરેના કામો ચાલુ રહેશે.તેમાં વરસાદનો બાદ નડશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.