![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/15-3.jpg)
સાતલપુરના મઢુત્રા ગામે નવ દિવસથી વીજ સપ્લાય બંધ રહેતા ગામલોકોએ ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું
પાટણ જિલ્લાના સાંતલપુરના મઢુત્રા ગામે છેલ્લા 9 દિવસથી વીજપુરવઠો ખોરવાયો છે. વીજળી વગર ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હોય તાત્કાલીક ગામમાં UGVCLના કર્મચારીઓ દ્વારા વીજળી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ઢોલ વગાડી અનોખી રીતે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
સાતલપુરમાં ફૂંકાયેલા ભારે પવનને લઈ વીજપોલ પડી જતા અને ગામોમાં અંધારપટ છવાયેલું છે. જેમાં મઢુત્રા ગામમાં પણ છેલ્લા નવ દિવસથી વીજળી ડૂલ રહેતા ગામજનોને વીજળી વગર ભારે મુશ્કેલી પડી રહી છે. ગામમાં તમામ વીજ ઉપકરણો બંધ પડ્યા હોય જીવન નિર્વાહ માટે જરૂરી ચીજ વસ્તુઓની પણ ભારે અછત ઊભી થઈ રહી છે. વીજ કર્મચારીઓ દ્વારા અનેક વખત ગામમાં આંટાફેરા કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી ગામમાં વીજળી શરૂ થઈ ના થઈ હોય બુધવારે ગ્રામજનો ભેગા થઈ ઢોલ વગાડી યુજીવીસીએલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સત્વરે યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ગામમાં વીજ પોલ ઊભા કરીને વીજ સપ્લાય શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.