એડાલના વહોળાએ ધાનેરાના સાત ગામમાં વિનાશ વેર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ધાનોલ અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે એડાલ વાળા વહોળામાં ભારે વહેણ આવતા એડાલ, સિયા, ભાટીબ, જડીયા, હડતા, ચારડા, વિછીવાડી ગામમાં ભારે વિનાશ સર્જાયો હતો અને તેમાં કેટલાય પરીવાર બેઘર બની ગયા હતા. તેમજ આ તમામ ગામના રસ્તાઓ પણ ધોવાઇ જવાના કારણે વાહનવહેવાર પણ બંધ થયો હતો.

આ વહોળો ગુજરાતના છેલ્લા ગામ એડાલમાં પહોંચી આ બાબતે જાણકારી મેળવતા તે રાજસ્થાનના ધાનોલ, ભમરીયા અને વડગામ તરફના ગામડાઓના ખેતરોમાંથી પાણી આ એડાલ ગામના વહોળામાં વર્ષોથી આવે છે પરંતુ ભારે વરસાદના કારણે આ પાણીમાં વધારો થયો હતો અને અચાનક રાત્રે આ પાણી વહોળામાં પુરની માફક આવતા એડાલ ગામના વહોળાના આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યુ અને ત્યાં ખેતરોના પાળાઓ ટુટતાં તે પાણી સિયા ગામના ખેતરોમાંથી ભાટીબ તરફના ખેતરોમાં જ્યાં વર્ષોથી વહેણ હતા ત્યાંથી પસાર થતાં ખેતરોમાં બાંધવામાં આવેલ પાળાઓના લીધે ખેતરોમાં ભરાયેલ પાણી પણ આ પાણી સાથે ભળતા ભળતા આ વહોળાએ રૌદ્ર રુપ ધારણ કરતાં ભાટીબ ગામે ભારે વિનાશ વેર્યો હતો અને ત્યાંથી આ પાણી આગળ વધતાં જડીયા અને ભાટીબ ગામના ખેતરોના પાણી વધવા લાગતા તે પાણી અતિભારે રુદ્ર રુપ ધારણ કરતાં જડીયા ગામમાં આ પાણી ફરી વળ્યા હતા અને ગામને ઘમરોળી નાખ્યુ હતુ. અને ત્યાંથી આ પાણી હડતા, ચારડા અને વિછીવાડીના વહોળામાં પડ્યુ હતુ.

જડીયાના વક્તાભાઇ પટેલએ જણાવ્યું કે “મારી 65 વર્ષની ઉમરમાં મે આટલુ પાણી પહેલીવાર જોયુ છે. પાણીએ રૌદ્ર રુપ ધારણ કરી આખા ગામમાં તરાજી સર્જી છે અને કેટલાય લોકો ઘર વિહોણા બન્યા છે તેમજ મોટા પ્રમાણમાં પશુંઓના પણ મોત નિપજ્યા છે.” જડીયાની વિવેકાનંદ વિધાલય તેમજ પટેલપુરા પ્રાથમિક શાળામાં આ પુરના પાણી પડવાથી તમામ દીવાલો તોડી પાડી હતી તેમજ શાળામાં પડેલ તમામ સામાન પણ પાણી ભરાવાના કારણે નષ્ટ થયો હતો.

ભાટીબ ગામના સુરેશભાઇ વજાજી કુંભાર પોતાના બે ભાઇઓના 25 જેટલા લોકો સાથે બે ઘર બનાવી ને ખેતરમાં રહેતા હતા પરંતુ અચાનક આ પાણી આવતા આખા ખેતરને ચીરી નાંખીને બનાવેલ ઘર, બોર, અને પશુઓ સાથે તમામ પાણીમાં તળાઇ ગયા હતા અને તેઓ પોતાના પરીવારને લઇને મોડ ઘરની બહાર નિકળ્યા હતા અને આ લોકોને સરકારી તંત્ર પણ મળવા ન ગયેલ હોવાથી તેઓએ દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વેદના ઠાલવતા સુરેશભાઇ કુંભારે જણાવેલ કે “કુદરતે એકજ ઝપટમાં અમારુ બધુજ લઇ લીધુ ઘરમાં દર દાગીના, પકવેલ ધાન્ય, ખાવા માટે ધાન્ય તેમજ બોર સાથે આખે આખુ મકાન પાણીમાં જતુ રહ્યુ છે હાલમાં ઉપર આભ અને નિચે ધરતી ની નિચે બેઠા છીએ તલાટી કે સરપંચ પણ બીજા દિવસે પણ અમારી ખબર પુછવા આવેલ નથી.

રાજસ્થાનના સુરાવા ગામ પાસે આવેલ ચેકડેમ તુટવાના કારણે તે પાણી ખાપરોલ ગામના ખેતરોમાં પડતા ખેતરોના તમામ પાળાઓ તોડી દેવામાં આવતા નેનાવાથી ખાપરોલનો રસ્તો પણ સંપૂર્ણ નાશ પામ્યો હતો જેના કારણે ખાપરોલ ગામનો ગુજરાત સાથેનો સંપર્ક પણ ટુટી ગયો હતો અને આ પાણી ખાપરોલથી નેનાવા આવતા સી.એન.જી. પંપ પાસે હાઇવેનું ધોવાણ કરીને ખેતરોમાં પડતા નેનાવાના ખેતરોને પણ ધોઇ નાખતા ખેડુતોને ભારે નુકસાન થયું હતુ.

ભારે પુરના કારણે ભાટીબમાં 30 વીઘા જમીનમાં પથરાયેલા ચામુંડા સોલાર પ્લાન્ટ પણ આ પુરમાં ગરકાવ થયો છે. આ સોલાર પ્લાન્ટમાં કામ કરતા રમણભાઇ એ જણાવ્યું કે અચાનક રાત્રે પાણી આવી જવાના કારણે સોલાર પેનલો ધડાધડ ટુટવા લાગી હતી જેથી અમે ડરી ગયા હતા અને જોત જોતામાં અમારી ઓફિસ તેમજ ટ્રેક્ટર પણ તણાવા લાગ્યા હતા જેથી અમે પણ જીવ બચાવવા ત્યાંથી સલામત સ્થળે ખસી ગયા હતા અને પોલીસ સહિત અન્ય ટીમોએ આવીને બીજા ફસાયેલા લોકોને દોરડા વડે બહાર કાઢ્યા હતા.

ખતરો હજુ ટળ્યો નથી,ચોમાસુ હજુ બાકી છે ત્યારે રાજસ્થાનના આ વ્હોળાની તકેદારી રાખવી પડશે
સાયક્લોનિક વરસાદે રાજસ્થાનને ધમરોળ્યું અને તેની સીધી અસર ગુજરાતના સરહદના ગામડાઓને થઈ છે. હજુ આખું ચોમાસુ બાકી છે.રાજસ્થાનના તમામ ડેમ તળાવ અને ડેમ ભરાઈ ગયા બાદ હવે ચોમાસા દરમિયાન વધારાનું તમામ પાણી રાજસ્થાનના સીમાડાઓ ગુજરાતના ગામોમાં ફરી પ્રવેશ કરશે જેના માટે આ વ્હોળા માટે બનાસકાંઠાએ તકેદારી રાખવી પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.