હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું, મંજુરી વિના સ્પીકરના ઉપયોગ સામે કાર્યવાહી થશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડ સ્પીકર મુદ્દે દાખલ કરવામાં આવેલી PIL મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કરાયું હતું. જેમાં સરકાર દ્વારા જણાવાયુ હતું કે,અઝાન માટે અથવા તો ધર્મિક કાર્યક્રમો માટે લાઉડ સ્પીકર વાપરવું હોય તો તે માટે પરવાનગી લેવી જરૂરી છે. તેમજ નોઈઝ પોલ્યુશન નિયમો અંતર્ગત દિવસ અને રાત્રિ દરમિયાન તેમજ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં જે ડેસીબલ નક્કી કર્યા છે તેનાથી વધારે જો અવાજ હોય તો તેમની સામે જરૂરી પલગા લેવામાં આવશે. સરકાર દ્વારા DySP કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ કોર્ટમાં રજૂ કરાયુ હતું. ત્યારે અરજદારના વકીલ દ્વારા આગામી સુનાવણીમાં આ લિસ્ટ જાહેર કરવામાં આવે તે મામલે રજૂઆત કરાશે.

અગાઉ હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડ સ્પીકર મુદ્દે એક PIL દાખલ કરવામાં આવી હતી. જેમાં ડોક્ટરના ક્લિનિક પાસે મસ્જિદમાં લાઉડ સ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાન વગાડવામાં આવતી હોવાથી આ ધ્વનિ પ્રદુષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી રજૂઆત કરાઈ હતી. અરજદાર દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે, નમાઝ અને અઝાન તે મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનો અભિન્ન અંગ છે પરંતુ લાઉડ સ્પીકર અને માઇક્રોફોન તેના અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે તે રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત તેનો ઉપયોગ કરી શકાય નહીં.

જોકે, અરજદાર ડોક્ટરને લઘુમતી સંપ્રદાયના લોકો તરફથી ધમકીઓ મળતા તેઓ PILમાંથી હટી ગયા હતા. પરંતુ બજરંગદળના નેતા શક્તિસિંહ ઝાલા દ્વારા મૂળ PILમાં ફરિયાદી બનવાની અરજી આપવામાં આવી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી. આ કેસ અત્યારે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને બીરેન વૈષ્ણવની બેંચમાં ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લી સુનાવણી દરમિયાન વહેલી સવારે 4થી 5 વાગ્યે લાઉડ સ્પીકરો પર અઝાન વાગતી હોવાની અને લોકોની ઊંઘ ખરાબ થતી હોવાની રજૂઆત કરાઇ હતી. તે મુદ્દાના વીડિયો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મુદ્દે હાઇકોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી વિગતવાર સોગંદનામું રજૂ કરવા સરકારને આદેશ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.