સ્વાર્થી અને કામચોર વરૂ
એક જંગલમાં એક આળસુ અને કામચોર વરૂ રહેતું હતું. ઘરની જવાબદારી એના પિતાના મૃત્યુ બાદ એની પર આવી હતી. તેની પાસે એના પિતાની થોડી જમીન હતી પરંતુ વર્ષોથી એની પર હળ ન ચલાવવાને લીધે તે ઉજ્જડ બની ગઈ હતી.પેટ ભરવાને માટે તેની પાસે આ એક જ સાધન હતું.
ખેતીનું કામ ખુબ જ મહેનત માંગી લે તેવું હતું. જ્યારે વરૂ અને મહેનત વચ્ચે વેર હતું પરંતુ ભરણ પોષણ કરવા કાંઈક તો કરવું પડે તેમ હતું.
એક દિવસ વરૂ પોતાનું ખેતર જાેવા ગયો. ‘બાપ રે..! આટલી બધી ખાડા ટેકરાવાળી જમીન ! અને તે પણ પથરાળ ? આને ખેતીલાયક બનાવવા જતાં તો મારો જીવ જ નીકળી જશે !’ ખેતર જોઈને વરૂના મોંમાંથી નીકળી ગયું.
ત્યાં જ બાજુના એક ઝાડ પર વાંદરો બેઠો હતો તેણે કહ્યું, ભાઈ ! ખેતર ખેડવાનું વિચારી રહ્યો છે કે શું ? આ વાંદરો વરૂની બાજુમાં જ આવેલા ખેતરનો માલિક હતો.
તારૂં ખેતર તો ખુબ સારૂં છે.. પરંતુ મારા એવા ‘નસીબ’ કયાંથી ? વરૂએ નિઃસાસો નાખ્યો.
અરે ભાઈ ! મારૂં ખેતર તો તારા ખેતર કરતાં પણ ઘણું જ ખરાબ હતું પરંતુ મેં અને મારી પત્નીએ ખુબ મહેનત કરીને તેને આવું સરસ બનાવી દીધું.વધુમાં તે બોલ્યો, મારૂં માન અને મહેનત શરૂ કરી દે પછી જાેજે ધરતી તને કેટલું બધું સુખ આપે છે ?
પરંતુ પાણી ? વરૂ બોલ્યું.
કુવો ખોદાવી લે ! વરૂને લાગ્યું કે આ તો તેના ગજાની બહારની વાત છે. કોઈ બધું કરી આપે તો કંઈક થાય. તે બેસીને વિચારવા લાગ્યો. તેને એક યુક્તિ સુઝી.
બીજા દિવસે તે અડધી રાત્રે એક હાથમાં કોદાળી લઈને છાનોમાનો પોતાના ખેતર તરફ ગયો. રસ્તામાં એક સસલાનું ઘર આવતું હતું તે ત્યાં જઈને સસલાંને પાણી પીવડાવવાનું કહ્યું.
વરૂને અડધી રાત્રે હાથમાં કોદાળી જાેતાં સસલાંએ પુછયું, તું અડધી રાત્રે કયાં જાય છે ? ત્યારે વરૂએ વાત ફેરવીને ખોટે ખોટું કહી દીધું કે, એક જાેશીએ મને કહ્યું છે કે, મારા ખેતરમાં ખજાનો દાટેલો છે. જાે આજે તેને ખોટીને ન કાઢું તો તે નાશ પામી જશે.
ખજાનાની વાત સાંભળીને સસલો ચમકયો. તેણે કહ્યું,આખું ખેતર એક જ રાતમાં ખોદવું એ તારા માટે અશકય છે. જાે અમે બધા જ સસલા તારૂં ખેતર ખોદી આપીએ તો તું એમને શું આપીશ ?
વરૂએ કહ્યું કે, ખજાનામાંથી અડધો ભાગ ! ખજાનામાંથી અડધો ભાગ સાંભળીને સસલાએ પોતાના બધા જ મિત્રોને સાથે લઈને વરૂ સાથે એના ખેતરમાં ગયો અને આખી રાત મહેનત કરીને ખજાનો શોધવા જમીન ખેડી નાખી પરંતુ કોઈ ખજાનો હાથ ના લાગ્યો.
પરંતુ ત્યાં ખજાનો હોય તો મળે ને ! આ તો વરૂની ચાલ હતી જમીન ખેડાવાની સસલાં નિરાશ થઈને જતાં રહ્યા. હવે પ્રશ્ન પાણીના કુવાનો હતો. એક દિવસ વરૂ પોતાના ખેતરમાં વિચારમગ્ન થઈને બેઠું હતું. ત્યાં જ એક ઉંદર આવ્યો અને તે બોલ્યો, અરે મિત્ર, શું વિચારી રહ્યો છે?’
ત્યારે વરૂએ કહ્યું, શું કરૂં મીત્ર ! ગઈકાલે એક જાેશીેએ કહ્યું કે તારા ખેતરમાં બરોબર વચ્ચેના ભાગમાં એક ખુબ મોટો ખજાનો દાટેલો છે પરંતુ તે ખુબ જ ઉંડો છે. તો પછી મારો ખોદવા કેમ મોડું કરી રહ્યો છે ?
આ જ મુસીબત છે, મારા સસરાના મૃત્યુને લીધે મારે બીજા જંગલમાં જવાનું છે. ત્યાંથી આવતા ૧પ દિવસ તો થઈ જશે. આટલા બધા દિવસ ખેતરની રખેવાળી કોણ કરશે ? વરૂએ કહ્યું, તું આ કામ કરી શકીશ ?
ખજાનાની લાલચ જાેતાં ઉંદરે રખેવાળી કરવાની હા પાડી.. કારણ કે એને આખો ખજાનો હડપ કરવાની ઈચ્છા જાગી હતી.
વરૂના ગયા બાદ ઉંદરે પોતાના મિત્રોને ભેગા કર્યા અને વરૂએ બતાવેલી જગ્યાએ પોતાના અણીદાર દાંત વડે ખોદવાનું શરૂ કર્યું. જાેતજાેતામાં ઉંડો ખાડો ખોદાઈ ગયો પરંતુ ખજાનો હાથ ના લાગ્યો. વધુ ઉંડે ખોદતા પાણી બહાર નીકળતા ઉંદરો બહાર આવી ગયા.
એટલામાં સસલો ત્યાં આવ્યો. એણે જાેયું તો ઉંદરોએ ખજાનાની લાલચમાં વરૂને કુવો ખોદી આપ્યો. તેને બધી વાતની ખબર પડી એટલે ઉંદર અને સસલાંએ જંગલના રાજા સિંહને ફરીયાદ કરી કે વરૂએ કેવી ચાલાકીથી સસલા અને ઉંદર પાસે મફતમાં કામ કરાવી લીધું.રાજા સિંહે વરૂને બોલાવીને બધી વાત સાંભળતાં તેમને લાગ્યું કે સ્વાર્થી અને કામચોર વરૂએ ખજાનાની ખોટી વાત કરીને આ બંનેનો લાભ ઉઠાવ્યો છે.
રાજાએ ફેંસલો સંભળાવ્યો કે હવે વરૂ ખેતી કરશે અને જે પાક થાય તેના ત્રણ ભાગ પાડવામાં આવશે. જેમાંથી એક ભાગ સસલાંને, બીજા ઉંદરને અને ત્રીજાે પોતે રાખવાનો રહેશે. તેમની મહેનતના બદલામાં મળનાર આ ઉપજ જ સાચો ખજાનો કહેવાશે. જેનાથી બધા પ્રાણીઓનું પેટ ભરાશે.