આધ્યાત્મિક જગતમાં આપણી કસોટી આપણે જ લેવાની હોય છે અને ગ્રેડેશન પણ આપણે જ આપવા પડે છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

શાળામાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા શિક્ષકો દ્વારા લેવાય છે. પેપર્સ શિક્ષકો તપાસે છે અને પરિણામ પણ શિક્ષકો જ આપતા હોય છે. તે રીતે નોકરીની યોગ્યતા માટેની કસોટી અન્ય અધિકારીઓ લેતા હોય છે અને પરિણામ પણ એ અધિકારીઓ જ આપતા હોય છે. આધ્યાત્મિક જગતમાં આનાથી ઉલટું હોય છે. પોતે પાકા વૈરાગી કે પાકા સત્સંગી બન્યા છે કે કેમ ? પોતાનું જીવન ગીતાજીમાં કહ્યું છે તેમ શુદ્ધ પ્રમાણિક અને પરદુઃખભંજક બન્યું છે કે કેમ ? સમાજમાં, પરીવારમાં કે પાડોશમાં સમ થઈને રહેતાં શીખ્યા હોઈએ કે કેમ ? જેવી કસોટી પોતે જ લેવાની હોય છે. પોતે જ પોતાના અંતર આત્માને પુછીને ગ્રેડેશન (ટકાવારી) નક્કી કરવાની હોય છે.પ્રાતઃસ્મરણીય સંત શ્રી આનંદમૂર્તિજી મહારાજ એમના દિવ્ય સત્સંગમાં વારંવાર જણાવે છે કે, આધ્યાત્મિક જગતમાં આપણે એક સારા માણસ તરીકે વ્યવહાર, વાણી કે વર્તનમાં ખરા ઉતરીએ છીએ કે નહીં ? તે માટેની કસોટી વારંવાર આપણે જ લેતા રહેવું.
સવારે જાગીએ અને ગરમ પાણી નહાવા માટે, જાેઈએ તેવો આગ્રહ રાખતા હોઈએ એ વખતે પાણી વધારે ગરમ, કે ઠંડુ આપવામાં આવે કે ચામાં મોરસ ઓછા વધતી હોય તો તે વખતે આપણો પિત્તો કયા આસમાને પહોંચે છે તે આપણે જ જાેતા રહેવાનું છે.દરેક વખતે આપણું ધાર્યું જ થાય તેવું બનવાનું નથી. આ સંસાર તો સરી જતી રેતીના ઢગલા જેવો છે. સતત સતત પરિવર્તીત સંસારમાં કશું જ સ્થિર નથી. તો પછી આપણી ધારણા સ્થિર કેવી રીતે રહી શકે ?મનુષ્ય જન્મ ધારણ કરે છે ત્યારથી મરવાની શરૂઆત કરે છે. આ સનાતન સત્યને નજર સમક્ષ રાખીને વ્યવહાર કરતાં શીખવું છે.આ દેહ મરણ ધર્મા છે. આપણી સામે આવતા સુખ-દુઃખ, માન-અપમાન, લાભ-હાની કે ગમે તેવી ઘટના આપણને હચમચાવી મુકતી હોય તો હજુ આપણે આધ્યાત્મિક જગતમાં ઘણું કરવાનું બાકીછે તેમ સમજવું.આપણે એક નહીં, અનેક મહોરાં પહેરીને જીવીએ છીએ, અંદર બહારના દ્વંદ્વ સમાવીને સમ થવા માટે સદગુરુનું સેવન, શાસ્ત્રોનું વચન અને વર્તન માટે મહાપુરૂષોના જીવન સામે જાેતાં શીખવું છે.
સુખ કે દુઃખ એવું કોઈ સંસારમાં નથી. એ તો આપણી ધારી લીધેલી પ્રક્રીયા છે.

સંતો તો કહે છે કે જેમ પાણીમાં ઉડતા તરંગ ભલે એકબીજા ઉપર ચડતા દેખાય કે અથડાતા દેખાય પણ છેવટે તો તે તરંગો શાંત ધર્મા છે. શાંત થવાના જ છે. એ તરંગોને જ આપણે સાચા માનીને તેની સાથે ચડતા ઉતરતા રહીએ તો સુખ દુઃખ જેવી લાગણી અનુભવીએ છીએ.આપણે જાે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય તો દરેક પ્રસંગ કે ઘટનાને આપણે કેવી રીતે જાેઈએ છીએ તેના ઉપરથી પરીક્ષા થાય છે.
આ પરીક્ષામાં પાસ કે નાપાસ જેવા ગ્રેડેશન આપણે જ નક્કી કરીને વધારે સારૂં પરિણામ લાવવા પ્રયત્નો કરવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.