બાળ સાહિત્યના દસ્તાવેજી કરણનું પડકારરૂપ સંપાદન
માનવને પોતાના વિચારોની અભિવ્યકિતનું એક આકર્ષણ કાયમ રહ્યું છે. તે જુદી જુદી રીતે થતી હોય છે. કયારેક તે ચિત્ર સ્વરૂપે હોય કે કયારેક સંગીતના સ્વર સ્વરૂપે પણ હોય છે. પરંતુ આ અભિવ્યકિત શબ્દ સ્વરૂપે આવે ત્યારે તેની નીચે લખાયેલું પોતાનું નામ વાંચીને જે આનંદ, ઉત્સાહ અને ગર્વની લાગણી થાય છે તે અવર્ણનીય હોય છે.
સાહિત્યના જુદા જુદા સ્વરૂપોની અભિવ્યકિત હવે ફકત કાગળ પર લખાયેલ કે છપાયેલ શબ્દ સ્વરૂપે ન રહેતાં વિજાણું માધ્યમો દ્વારા કાર્ટૂન, એનિમેશન, વોટસઅપ કે ફેસબુક, ટ્વીટર કે વેબસાઈટ પર વિવિધ સ્વરૂપે અનોખા રૂપ રંગ અને પ્રકારોમાં જાેવા, સાંભળવામાં કે અનુભવવા મળે છે. દરેક સર્જક માટે તેનું પ્રથમ સર્જનમાં એક તાજગી અનુભવાય છે અને મોટાભાગે સર્જક તેનાં પોતાની જ વાત કોઈપણ સ્વરૂપ કે પ્રકારમાં કરતો હોય તેવું મોટાભાગે જણાય છે. સર્જનની કારકિર્દીનો એ સીમાસ્તંભ સમાન હોય છે. હાં, આજે મારે તમને આવા જ એક અનોખા વિષય પર તૈયાર થયેલ પુસ્તકની વાત કરવી છે.‘બાલ સાહિત્યનું મારૂં નામ પુસ્તક’ વિશે ગુજરાતના જાણીતા સઘળા બાળ સાહિત્યકારોને તેમના ભાવ-પ્રતિભાવ અંગે સંપાદકે નિમંત્રણ પાઠવેલ અને એક પ્રશ્નાવલી મોકલેલ.
જેમાંથી પાંત્રીસ જેટલા બાળ સાહિત્યકારોએ પોતાની આત્મકથાત્મક વિગત સાથે પ્રથમ પુસ્તક અંગે લખાણો મોકલ્યાં જેનું સંપાદન પુસ્તક રૂપે, અહીં થયું છે. સર્જકની પ્રથમ કૃતિ સર્જકના જીવન – વ્યકિતત્વ અને તેની પ્રતિભા – વ્યુત્પત્તિ, અભ્યાસ નિષ્ઠા અને અભિવ્યકિતની લાક્ષણિકતા તેમજ આ નિમિત્તે વિવિધ સ્વરૂપનાં પુસ્તકોનું લેખકે પોતે કરેલું અવલોકન અહીં રજૂ થયું છે. ગુજરાતી બાળ સાહિત્યમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. તેમાંથી પસાર થતાં મોટા ગજાના સર્જકોની પ્રથમ કૃતિ વિશેનું આ અભિવ્યંજન રોમાંચક અને પ્રશસ્ય છે.તો અહીં સમાવાયેલા સઘળા સાહિત્ય સર્જકોનું સાહિત્ય ક્ષેત્રનું પ્રથમ પદાર્પણ પણ ધ્યાનાકર્ષક લાગે છે.
‘સાહિત્ય સર્જકોની પા પા પગલી’ શિર્ષકથી બાળ સાહિત્યના ધુરંધર વરિષ્ઠ સાહિત્યકાર યશવંત મહેતાની પ્રસ્તાવના પુસ્તકને એક ખૂબ મોટી ગરીમા સાથે પ્રતિષ્ઠા બક્ષે છે. તેમને નોંધ્યું છે કે ગુજરાતી બાળ સાહિત્યનું પ્રથમ બાળ ‘બાળ મિત્ર’ ૧૮૩૧ માં પ્રગટ થયું હતું. પણ બાળ સાહિત્ય પ્રત્યે વિદ્વાનોમાં ઓરમાયું વર્તન રહ્યું હોઈ દોઢસો વર્ષમાં આ ક્ષેત્રે વિવેચન નહીંવત થયાનું જણાય છે. બાળ સાહિત્ય સંબંધી પાયાની વિચારણાનાં જૂજ પુસ્તકો ગિજુભાઈ બધેકા, મોહનભાઈ શં. પટેલ જેવાનાં મળ્યા છે.પરંતુ ૧૯૮૦ માં બાળ સાહિત્ય સભા અને તે પછી ૧૯૯૪ માં બાલ સાહિત્ય અકાદમીની રચના પછી આ પ્રકારના પાયાનાં પુસ્તકો ઠીક ઠીક સંખ્યામાં રચવા લાગ્યા છે. બાળ સાહિત્યા દસ્તાવેજીકરણ સહિત પ્રસંશનીય સંખ્યામાં પુસ્તકો મળવા લાગ્યા છે. અનેક જાણકારો અને અભ્યાસનિષ્ઠો બાળ સાહિત્યના વિવિધ પાસાઓને સમૃધ્ધ કરવામાં પ્રવૃત્ત બન્યા છે.
સને ર૦૧૦ માં ગુજરાતી બાળ સાહિત્યનું સર્વાંગી દર્શન પુસ્તક સાંકળચંદ પટેલ તરફથી મળ્યું હતું. તો પાઠયપુસ્તક મંડળ દ્વારા બાલ સૃષ્ટિ સામાયિકે પણ બાળ સાહિત્ય કાર વિશેષાંકો બહાર પાડયા હતા. એ જ રીતે ગુજરાત સાહિત્ય અકાદમીનો બાલ-કિશોર સાહિત્યનો દિપોત્સવી અંક પણ પ્રગટ થયેલો. એ બધામાં પ્રગટ થયેલ કૃતિઓ અને લેખકોની સંખ્યાને જાેતાં આ સંપાદનમાં ઘણા બધા બાળ સાહિત્યકારોનો સમાવેશ કરવાનો રહી ગયો છે એમ લાગે. તે માટે આ પુસ્તકનો બીજાે ભાગ પ્રગટ કરાય અને તેમાં બાકીના સૌને સમાવાય તો દસ્તાવેજીકરણ વધુ આધારભૂત અને ગુજરાત બાળ સાહિત્યકારોને ન્યાય આપનારૂં બની રહેશે.જાે કે, યશવંતભાઈએ તેમની પ્રસ્તાવનામાં આ મુદ્ા અંગે સાચું જ લખ્યું છે કે આ પ્રકારના પુસ્તક માટે ખાસ્સી જહેમત ઉઠાવવી પડે છે. જેમને લખવા માટે નિમંત્રણ આપવાં હોય એમની યાદી બનાવવી પડે છે. આ યાદી તો વિચાર અને વિવેકપૂર્વકની હોય છે પરંતુ આવું કંઈક બની રહ્યું છે. માટે ‘અમને ય સમાવો’ એક કહીને સામે ચાલીને આવનારા પણ ઘણા બધા હોય છે. નિમંત્રણ પછી પણ ઉઘરાણી પત્રોનો સીલસીલો ચાલે છે.નિમંત્રણ પત્રમાં લેખન વિશેના ઈશારા હોય છે અને પ્રશ્નો હોય છે.
યોગ્ય વિસ્તારપૂર્વક જવાબ લખવાના હોય, કોઈ અહીં અતિ વિસ્તાર કરે તો કોઈ મશીનગનના ગોળીબાર જેટલી ઝડપ કરે છે. આ રીતે મળેલી સામગ્રીમાં કેટલુંય નકારવું પડે, કેટલુંય લખનારની સંમતિ લઈ કાપવું પડે તો કેટલુંય નકારવું પડે. સંપાદક આ બધું કરે ત્યારે તેણે અપયશની તૈયારી રાખવી પડે.
વહુને વરસાદને અમે સંપરાદકને જશ આપનારા થોડા અને અપજશ આપનારા વધુ હોય છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે કિરીટભાઈ દવે એ પાંત્રીસ જેટલી હયાત લખનારાઓની ‘બાળ સાહિત્યનુું મારૂં પ્રથમ પુસ્તક’ વિશેની જન્મકથા અહીં સમાવી છે. જેમાં ગાંધીનગરના બાળ સાહિત્યકાર ક્ષેત્રે કલમ ચલાવનારા પૈકી નટવર હેડાઉ, ફિલીપ કલાર્ક અને ગિરાબેન ભટ્ટનો સમાવેશ થયો છે. પણ પ્રજ્ઞાબેન પટેલ, પ્રકાશલાલા, હરકૃષ્ણ પાઠક, વસંતલાલ પરમાર (જે હયાત હતા) વિગેરે રહી ગયા છે. અહીં આપણને ઈશ્વર પરમાર, નટવર પટેલ, શ્રધ્ધાબહેન ત્રિવેદી, રક્ષાબેન દવે, યોસેફ મેકવાન, રમેશ ત્રિવેદી, હુંદરાજ બલવાણી, રવિન્દ્ર અંધારીયા, યશવંત મહેતાની કેફિયતોની સાથે સાથ સાંનદાશ્ચર્ય પમાડે તેવા બહેચરભાઈ પટેલના બાલસાહિત્ય અંગે જાણવા મળે છે.અહીં દરેક સર્જકો પોતાના બાળ સાહિત્યના પ્રથમ પુસ્તકની જન્મકથા નિરૂપી છે. એ પ્રથમ પુસ્તક કઈ રીતે લખાયું તેનો વિષય શો છે. એ પ્રગટ કેવી રીતે થયું, એને શો – કેવો આવકાર મળ્યો, એની કારકિર્દી કેવી રહી વિગેરે વિગેરે દ્રષ્ટિકોણથી જે કેફિયતો રજૂ થઈ છે તે આજના બાળ સાહિત્યનું ઠીક ઠીક પ્રતિનિધિત્વ કરે છે. બાળ સાહિત્યના દસ્તાવેજીકરણનું આવું પુસ્તક એક પડકારરૂપ છે.
જે કિરીટભાઈ કે. દવેએ કર્યુ છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. અહીં હું તેમના આ પુસ્તકને હૃદયપૂર્વક આવકારૂં છું અને તેમને અભિનંદન પાઠવું છું.
લેખક – સંપાદન – કિરીટ દવે
પ્રકાશક – અવનિકા પ્રકાશ
૪૧૯/એ, સર્વોદય કોમર્શિયલ સેન્ટર, ચોથે માળ,જીપીઓ પાસે, અમદાવાદ – ૧