કુદરતની કલાને પામવાનો પ્રયત્ન કરીએ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

રોજના નિયમ પ્રમાણે સવારે ફરવા નીકળ્યો રસ્તામાં હિલ્લોળા લેતા વૃક્ષો નાના છોડવા અને તેની ડાળીઓ ઉપર નવપલ્લવિત થતાં પર્ણદલ જાેયાં. આ નવી કુંપળો કાલે સુંદર લીલુંછમ યાન બનશે. જે સૂર્ય પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંલેષણની ક્રિયા દ્વારા પોતે કાર્બન ડાયોકસાઈડ નામનો ઝેરી વાયુ શોષીને આપણા જીવનને પોષણક્ષમ પ્રાણવાયુ આપશે. આવાં હજારો લાખો વૃક્ષો પોતાનાં કરોડો પાન દ્વારા આ સૃષ્ટીના પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે.ે
આ પાન કાળક્રમે પીળાં પડશે, સુકાઈ જશે અને ખરી જશે, પછી ધરતીમાં સમાઈ જશે અનેખાતર બની જશે. જે એવાં જ બીજાં વૃક્ષોને પોષણક્ષમ ખાતર તરીકે ઉપયોગી થશે. આ રીતે સૃષ્ટીચક્ર ચાલ્યા જ કરે છે.
નાની કળી ફુલ બને છે, સુગંધ આપીને ખરી પડે છે, છેવટે માટીમાં મળીને માટી બની જાય છે.
આપણા મનુષ્ય દેહનું પણ એવું જ છે. નાના બાળક સ્વરૂપે જન્મ ધારણ કરીને વિકસીત થતાં થતાં પરાક્રમી યુવાન બનીએ છીએ, ઘરડા થઈને છેવટે મૃત્યુ પામીએ છીએ ત્યારે કાં તો જમીનમાં દટાઈ જઈને માટીમાં મળી જઈએ છીએ અથવા અગ્નિમાં બળીને પંચભુતમાંથી બનેલું આ માટીનું પુતળું પાછું પંચભુતમાં મળી જઈએ છીએ. ઝરણું ટીપે ટીપે સરવાણી રૂપે વહેતું વહેતું નદીનું રૂપ ધારણ કરે છે. સાગરમાં મળી જાય છે. સાગરનું પાણી સૂર્યની ઉર્જાથી ગરમ થઈને વરાળ બને છે. એ વરાળ ઠંડી થઈને વરસાદ રૂપે આ પૃથ્વી ઉપર પાછું વરસે છે અને ધનધાન્ય પકવે છે. આપણા શરીરને પોષે છે, અને આ રીતે ચાલતા સૃષ્ટી ચક્રને કુદરતની લીલા કહીએ છીએ. કુદરતની દરેક લીલાને લય તરીકે જોતાં શીખવાનું છે.
કુદરતમાં લય છે, સૂર્ય તેના સમયે ઉદીત થઈને નાના મોટા જીવને જીવન બક્ષે છે. વૃક્ષો અને પ્રકૃતિને પોષે છે.ગ્રહ, નક્ષત્ર, અને તારાઓના પોતાના સ્થાને લયબદ્ધ ફરતા રહે છે. સમુદ્રની લહેરોનો લય, નદીના પ્રવાહનો લય અને વૃક્ષોની ડાળીઓના હલવાથી થતા સ્પંદનોનો ધ્વનિ, જયાં નજર ફરે ત્યાં બધે લય. લય અને લય જ પ્રતીત થાય છે.
આપણે માણસ તરીકે આ કુદરતના લયને પામવાનો તથા તેને સાચવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે જ્યારે લય ખોવાય તેવું વર્તન કરીએ છીએ ત્યારે કુદરતી પ્રકોપ સહન કરવો પડે છે. જેના કારણે સુનામી, ધરતીકંપ કે અન્ય પ્રકોપ વરસાવતી કુદરત, પોતાની શક્તિનો પરિચય કરાવે છે.
પશુઓ વગડામાં ચરવા જાય છે ત્યારે જમીન ઉપર ઉગેલા નાનાં નાાં ઘાસનાં તણખલાં પોતાના મોંઢા વડે તોડે છે ત્યારે ખુબ જ કાળજી રાખે છે કે આખો છોડ જમીનમાંથી ઉખડી ન જાય, જ્યારે આધુનિક યંત્રો દ્વારા જમીનના પાતાળાને ફોડીને ખનીજની લુંટ ચલાવી રહેલા આપણે સમુદ્રના ઉંડા પાણીમાંથી જળચર પ્રાણીઓ ખનીજ તેલ તથા સંપત્તિની લુંટ ચલાવતી વખતે આવનારી પેઢીનો ખ્યાલ રાખવાનું ચુકી રહ્યા છીએ. ભગવાને આપણને માણસ તરીકે જન્મ આપીને બુધ્ધિ, શક્તિ, સમજણ આપી છે. જેના દ્વારા આપણે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરતાં શીખવાનું છે. પ્રકૃતિનું શોષણ નહીં દોહન કરીને એક ગોપાલકની જેમ પ્રકૃતિને પ્રેમ કરતાં શીખવું છે.. કુદરતની કલાને પામવાનો આવો પ્રયત્ન આપણને માણસ હોવાનું ગૌરવ અપાવશે…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.