પતિનું દિલ જીતવાની કળા
પ્રેમ, આત્મિયતા, સંભાળ, મીઠી મધુરીવાતો અને સહકારથી કોઇનું પણ દિલ જીતી શકાય છે. જ્યારે વાત પોતાના ખાસ માણસની આવે છે તો મામલો નાજુક થઇ જાય છે. તેથી તેને જીતવાની કળા પણ ખાસ હોવી જોઇએ
પ્રેમ, આત્મીયતા, સંભાળ, મીઠી મધુરીવાતો અને સહકારથી કોઇનું પણ દિલ જીતી શકાય છે. જ્યારે વાત પોતાના ખાસ માણસની આવે છે તો મામલો નાજુક થઇ જાય છે. તેથી તેને જીતવાની કળા પણ ખાસ હોવી જોઇએ. સૌથી પહેલા પુરૂષેની વાતચીતની પસંદ-નાપસંદને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. પતિદેવ ઘરમાં હોય કે બહાર, ફોન પર હોય કે વોટ્સ એપ પર, પ્રેમના બે મીઠામધુર બોલ અવશ્ય બોલવા જોઇએ. તેનાથી સંબંધોમાં વસંત ખીલી છે. દિવસ તાજોમાજો થઇ જાય છે અને સાંજ ક્યારે પડી જાય છે તેની ખબર જ રહેતી નથી ! સવારની ગરમા-ગરમ મસાલેદાર ચા પીતાં પીતાં દિવસના પ્લાનની વાતો થઇ શકે છે. જો તમે નોકરી કરતાં હોવ તો બાઇક પાછળ બેસીને ઓફિસ જઇ શકો છો. તમે અર્ધાંગિની એટલે બાઇકની પાછલી સીટ પર તમારો હક કહેવાય !
પતિદેવ બહાર જતાં હોય ત્યારે ક્યાં જાવ છો? શાથી જાવ છો? શું કામે જાવ છો ? વગેરે સવાલો પૂછવા નહિ. કદાચને પતિદેવને માઠું લાગી જાય ! જો તમારી બંને વચ્ચે કોઇ સમસ્યા હોય તો વિશ્વાસુ વડીલની સલાહ લેવી જોઇએ. પતિ મહાશય સાંજે પાછા ફરે ત્યારે મીઠી મધુરી મુશ્કાનથી તેમને ‘‘વેલકમ’’કરવા જોઇએ. અડધો થાક તો આમ ઉતરી જશે બાકીનો અડધો થાક તમારા હાથની ગરમાગરમ ચાથી અવશ્ય ઉતરી જશે ! દરેક વ્યક્તિને માન-સન્માન આપો. તેથી સંબંધોમાં મીઠાશનો ઉમેરો થાય છે. સંબંધો વધુ સુદૃઢ બને છે. પાયો મજબુત હશે તો ઇમારત ઊંચાઇ લઇ શકાશે. તેથી પાયાને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઇએ. આને માટે લગ્નજીવનના પ્રારંભના બે વર્ષ પૂરતા થઇ પડશે. લગ્ન કે પાર્ટીમાં જવાનું થાય ત્યારે ‘‘એવાએ’’ શું પહેરશે, કઇ ઘડિયાળ, બૂટ, વસ્ત્રો અને ટાઇ વગેરે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
એવું કહેવાય છે કે પતિનું દિલ જીતવાનો સરળ માર્ગ તેમની મનપસંદ વાનગી બનાવીને તેમના દિલની રાણી બનવાનું અહોભાગ્ય ચૂકશો નહિ. બધા પતિ તેમની માતાને પ્રેમ કરતાં જ હોય છે. તેમની માતાએ જમાડેલી સ્વાદિષ્ટ વાનગીઓનો ચટાકો તમારી બનાવેલી વાનગીઓમાં આવશે તો નક્કી તમે તેમના દિલમાં નિશ્ચિત સ્થાન જમાવી શકશો. અમુકવાર એવું પણ બને કે તેમનો મૂડ બરાબર ન હોય ત્યારે વારંવાર સવાલો પૂછીને કે ડિસ્ટર્બ કરીને પરેશાન ન કરશો. આવા સમયે થોડા એકલા છોડવાથી અને વિશ્રામ આપવાથી મૂડ પાછો આવી શકે. ઓફિસના કામકાજ માટે બહાર જવાનું થાય ત્યારે અગાઉથી તેમની બેગ તૈયાર કરી રાખો. સસ્મિત વિદાય આપવાથી સફળતાના ૫૦ ટકા ચાન્સિસ વધી જાય છે ! સાડી, ડ્રેસ, ટોપ-જીન્સ વગેરે અલગ અલગ પહેરીને બહાર ફરવા જઇ શકો છો અને સારી રેસ્ટોરેન્ટમાં ડિનર પણ લઇ શકો છો.
પતિને ક્રિક્રેટનો શોખ હોય તો તમે પણ તેમની પાસે બેસીને ટીવી પર જીવંત મેચનું પ્રસારણ જોવામાં તેમને સહકાર આપી શકો છો. ક્રિકેટના ન સમજાતાં નિયમો તેમની પાસેથી શીખવા પ્રયત્ન કરો અને રસ લો.