કડીમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક બાલાપીર દરગાહના ઉર્સ મેળાનો પ્રારંભ
કડી તાલુકાના નાની કડી રોડ ઉપર આવેલા બાલાપીર દરગાહ હિન્દુ-મુસ્લિમનું એકતાનું પ્રતિક ગણવામાં આવે છે. મુસ્લિમની સાથે સાથે હિન્દુઓ પણ દિલ્હી, મુંબઈ સહિત વિવિધ રાજ્યો તેમજ સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાલાપીરની જન્મજયંતી નિમિત્તે કડીના આંગણે આવી પહોંચતા હોય છે. તેમજ બાલાપીરની જન્મજયંતી નિમિત્તે ઉર્સ ભવ્ય ( લોકમેળો) પણ યોજવામાં આવે છે. જેનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતના મોટાભાગના ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.
કડીના નાની કડી રોડ ઉપર આવેલા બાલાપીર દરગાહ ખાતે આજથી પાંચ દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો હતો. તેમજ બાલાપીરની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં પણ આવી હતી. જ્યાં બાલાપીર દરગાહના ટ્રસ્ટી કાસમસા દિવાના ઘરેથી શુક્રવારે રાત્રે 9 નિશાન સાથે સંદલ શરીફ નીકળ્યું હતું. તેમજ દરગાહના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓને દર્શન આપીને દરગાહ ખાતે પહોંચ્યું હતું. જ્યાં ધાર્મિક વિધિ દરગાહના મુજાવરો તેમ જ ટ્રસ્ટી કાદરભાઈ તેમજ નવ નિશાનદારના હસ્તે કરવામાં આવી હતી. જ્યાં આજે સવારથી જ શ્રદ્ધાળુઓ બાલાપીર દરગાહ ખાતે આવી પહોંચ્યા હતા અને આજથી પાંચ દિવસીય ભવ્ય લોકમેળોનો શુભારંભ થયો હતો.