અમીરગઢ તાલુકાના વાઘોરીયા ગામે પશુપાલક પર આભ તૂટી પડયુ
રખેવાળ ન્યુઝ અમીરગઢ,પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના એક પશુપાલકને માથે આભ તૂટી પડયુ છે. આ પશુપાલક પશુપાલનના વ્યવસાય થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આજે ખોરાકી ઝેરની અસરથી તેના ૯ જેટલા પશુઓ મોતને ભેટતા પશુપાલકની હાલત દયનીય બની જવા પામી છે અને પશુપાલક દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતો માટે ચાલુ વર્ષ ૨૦૨૦ માં જાણે કુદરત રૂઠી ગઈ હોય તેમ એક બાદ એક આફતો સામે આવી રહી છે. જેમાં અગાઉ તીડના આક્રમણ બાદ કોરોના વાયરસની મહામારીને પગલે લોક ડાઉન આવી ગયું. જેને પગલે ખેડૂતોના પાકો ખેતરોમાં જ પડ્યા રહ્યા અને ભાવ ના મળતા તેમાં પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ વરસાદે પણ ખેડૂતોના ઉભા પાકોનો સોથ વાળી દઈ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું ત્યારે હજુ સુધી પણ ખેડૂતોને જાણે કુદરત દ્વારા એક બાદ એક આફતો દ્વારા મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમીરગઢ તાલુકાના વાઘોડીયા ગામના ખેડૂત ભેમાભાઇ નારણાજી સાખલા ખેતીવાડી અને પશુપાલન થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમના પશુઓ લઇ તેઓ જંગલ વિસ્તારમાં ચરાવવા માટે ગયા હતા. દરમિયાન શરીરમાં પોઇજનની અસર થતાં તેમના નવ જેટલા પશુઓ બિમાર પડતા બનાસ ડેરીમાંથી તબીબને બોલાવી સારવાર અપાવી હતી. જોકે તેમ છતાં આ પશુપાલકના નવે પશુઓ મોતને ભેટયા હતા પશુપાલકે જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં કાંટા વગરનો ઢેબડો હોય છે આ ખાવાથી ફૂડ પોઇઝન થયું હોવાનું જણાવ્યું હતુ.