આજે સાબરકાંઠામાં 13 જિલ્લાના 26 શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ અપાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 13 જિલ્લાના 26 શિક્ષકોને આરોગ્યલક્ષી માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ આપવાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતમાં યોજાયો હતો.

આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર તરીકે નિયુક્ત દરેક શાળામાં બે શિક્ષકો જેમાં એક પુરુષ અને એક સ્ત્રી, દરેક અઠવાડિયે એક કલાક માટે રસપ્રદ પ્રવૃત્તિઓના સ્વરૂપમાં આરોગ્ય પ્રમોશન અને રોગ નિવારણ માહિતીની લેવડદેવડ કરવા માટે તાલીમ આપવામાં આવશે. તો આજે એટલે કે મંગળવારે સાબરકાંઠાના 100 શિક્ષકોને તાલીમ આપવામાં આવશે.

શિક્ષકોના માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, RKSK પ્રોગ્રામ હેઠળ આયુષ્માન ભારત અંતર્ગત શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારે 2014માં કિશોરોના સ્વાસ્થ્ય અને વિકાસની જરૂરિયાતોને સર્વગ્રાહી રીતે પ્રતિસાદ આપવા માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) નામનો વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેનો મુખ્ય ધ્યેય આરોગ્ય શિક્ષણ, રોગ નિવારણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા નિવારક અને પ્રમોટિવ પાસાઓને મજબૂત કરવા અને શાળા કક્ષાએ સંકલિત, પ્રણાલીગત રીતે આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, ગામે ગામ આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે. 108 દ્વારા આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ અપાય છે. શિક્ષકો બાળકોના રોલ મોડલ હોય છે. આ શિક્ષકો કિશોરોને યોગ્ય દિશા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ચીવટવાળા કામો હંમેશા શિક્ષકોને અપાય છે.

યુનિસેફ ગુજરાત ડૉ. નારાયણે જણાવ્યુ કે, સાબરકાંઠા જિલ્લો ભારતનો બીજો જિલ્લો છે, જ્યાં આ તાલીમ યોજાઇ હોય. તેથી આ વાત ખુબ જ ગૌરવ લેવા જેવી છે. બાળકો અને કિશોરોમાં શારીરિક-માનસિક વિકાસની સાથે સંસ્કારોના સિંચનનું પણ એટલુ જ મહત્ત્વ છે. આ બાળકો ગુજરાતનુ અને ભારતનું ભવિષ્ય છે. તેમને શાળામાં જ દરેક પ્રકારના શિક્ષણ જેવા કે, ટ્રાફિક નિયમોનું શિક્ષણ, જાતીય શિક્ષણ, મોરાલીટીનું શિક્ષણ મળે તે ખૂબ અગત્યનું છે.

યુનિસેફ ઇન્ડિયા ડૉ. અલીએ જણાવ્યું કે શિક્ષણ અને આરોગ્યના સંયુક્ત ઉપક્ર્મે આ કાર્યક્રમ ચાલે છે. સોમવારે 26 શિક્ષકોને તાલીમ આપ્યા બાદ આજે મંગળવારે સાબરકાંઠા જિલ્લાના 100 શિક્ષકોને તાલીમ આપવામાં આવશે, તો દરેક સ્કુલના બે શિક્ષકોને તાલીમ આપવાની છે. જેના ભાગરૂપે તાલીમની શરૂઆત કરવામાં આવી છે.

આ પ્રસંગે આરોગ્ય વિભાગ ગાંધીનગરના ડૉ. સતિષ મકવાણા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા, પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, ગુજરાતના વિવિધ 13 જિલ્લાના 26 શિક્ષકો, સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખાના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.