સૌરાષ્ટ્રમાં ભૂકંંપના આંચકાઃ રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલીમાં ભૂકંંપ રાજકોટથી 18 કિમી દૂર ભાયાસર ગામે કેન્દ્ર બિંદુ, જાનહાનિ નહીં

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ, જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારનાં 7.38 કલાકે આશરે ત્રણથી ચાર સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દહેશતના માર્યા લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે. હજી સુધી આ ભૂકંપને કારણે કોઇ જાનહાનિ કે નુકસાની ન થઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

આજે વહેલી સવારે આવેલા ભૂકંપે 2001માં આવેલા ભૂકંપની દહેશતપૂર્ણ યાદ તાજી કરાવી દીધી હતી. આજથી 19 વર્ષ પહેલા 26મી જાન્યુઆરી 2001ના રોજ બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આજે પણ વહેલી સવારે 7.38 કલાકે એક ચોક્કસ પ્રકારના ઘરેરાટીવાળા અવાજ સાથે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

બીજી તરફ જસદણમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. એ જ રીતે જૂનાગઢ, જેતપુર તથા વીરપુરમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે હજુ સુધી ક્યાંયથી પણ જાનહાનિ કે કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનાં જિલ્લા કલેક્ટરો પાસેથી ટેલિફોનીક વાતચીત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેક્ટરોને આપી હતી.

સવારે 7:39 કલાકે ગોંડલમાં તીવ્ર માત્રા સાથે ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. સવારે સંગ્રામસિંહજી હાઇસ્કૂલનાં મેદાનમાં તથાં અન્ય સ્થળે વોકિંગ કરી રહેલા લોકોએ પણ તીવ્ર આંચકો અનુભવ્યો હતો. સંગ્રામસિંહજી હાઇસ્કૂલનો ટાવર પણ ધ્રુજી ઉઠ્યાંનું વોકિંગ કરી રહેલાં રણવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. બીજી તરફ ગોંડલ તાલુકાના દાળીયા ગામે ભૂકંપના આંચકાથી મકાનની દીવાલોમાં તીરાડો પડી ગઈ હતી.

ભૂકંપને લઈને રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે અધિકારીઓને મનપાના તમામ સંકુલોમાં ચેકિંગનો આદેશ આપ્યો હતો. જેથી શાખા અધિકારીઓ દ્વારા સત્વરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે અધિકારીઓના રીપોર્ટ વિશે વાત કરતા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં અનુભવાયેલા ભૂકંપનાં તીવ્ર ઝટકા બાદ મનપા દ્વારા તમામ સંકુલોમાં ચેકિંગ કરાયું હતું અને એક પણ સંકુલમાં કોઇ પ્રકારનું નુકસાન થયું નથી. તમામ ફેસીલીટી સહી સલામત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.