સગર્ભા મહિલાને લઈ જતી ગાડીને પોલીસે રોકતા બાળકનું મોત નિપજ્યું હોવાના આક્ષેપો સાથે હોબાળો

બનાસકાંઠા
amabaji
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર, અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે પોલીસ કર્મીઓ દ્વારા માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અંબાજી પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ દ્વારા સગર્ભા મહિલાને સારવાર અર્થે લઈ જઇ રહેલ ગાડીને રોકાવી માસ્ક કેમ નથી પહેરેલ તે બાબતે પૂછપરછ કરી કાર્યવાહી કરવા માટે ગાડીને પોલીસ મથકે લઈ જઈ સમય વેડફતા સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળતાં સારવાર મળે તે પહેલા જ નવજાત બાળકીનું મૃત્યુ થયુ હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ પોલીસ મથકે ભારે હોબાળો મચાવ્યો હતો અને બાળકીના મૃતદેહને પોલીસ મથકના ટેબલ પર મૂકી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા માટે પરિવાર જીદે ચડતા ભારે દોડધામ મચી ગઈ હતી.  બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઇડ લાઇન અનુસાર માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે અંબાજીમાં સગર્ભા મહિલાની ડિલિવરી જેવા ઈમરજન્સી સમયે પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવા માટે ગાડીને રોકાવી સમય વેડફવામાં આવતા સગર્ભાને સારવાર મળે તે પહેલાં જ નવજાત બાળકીનું મૃત્યુ થયુ હોવાના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરી અંબાજી પોલીસ મથકે નવજાત બાળકીના મૃતદેહને ટેબલ પર મૂકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોબાળો મચાવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે સગર્ભા મહિલાના દિયરે જણાવ્યું હતું કે તેમના ભાભીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓ ગાડીમાં હોસ્પિટલ ખાતે લઈ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન સ્થાનિક હોસ્પિટલ માંથી પાલનપુર લઇ જવા માટે જણાવવામાં આવતાં પાલનપુર સાથે લઈ જવા માટે નીકળ્યા હતા.દરમિયાન અંબાજી ડી.કે.સર્કલ નજીક બે પોલીસ કર્મીઓ દ્વારા તેમની ગાડીને રોકાવી માસ્કના હોવાને કારણે ગાડીને પોલીસ મથકે લાવવામાં આવી હતી. અંબાજી પોલીસ મથકના આ બે પોલીસ કર્મીઓ દ્વારા સગર્ભા મહિલાની ગાડીને રોકી સમયનો વેડફાટ કરવામાં આવતા મહિલા સમયસર ડિલિવરી માટે ન પહોંચી શકતા નવજાત બાળકનુ મૃત્યુ થયું હોવાના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને આ બાબતે પરિવારજનોએ મૃતક નવજાત બાળકના મૃતદેહને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી બાળકના મૃતદેહને સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. જેને પગલે અંબાજી પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી સહિત અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને આ બાબતે મામલો થાળે પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.