ઓનલાઇન પ્લોટ ખરીદવા અંગેની જુદી જુદી સ્કીમો કરી છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઓનલાઇન પ્લોટ ખરીદવા અંગેની જુદી જુદી સ્કીમો કરી છેતરપીંડી કરનાર શખ્સને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી અલગ અલગ બેંકોના કુલ 17 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. અરજદારોને ફોન દ્વારા લોભામણી લાલચો આપનાર આ શખ્સને ઝડપી ગુનાનો ભેદ ઉકેલવામાં સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી. તો ટોળકીના બીજા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઇ. ભાવનાબેન ડીડીયાએ જણાવ્યું હતુ કે, ઓનલાઇન ચીટીંગના બનાવોને શોધી કાઢવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન બેંક એકાઉન્ટના આધારે તથા હ્યુમનસોર્સ તેમજ ટેકનીકલ સોર્સના આધારે પીએસઆઈ આર.વી. પ્રજાપતિ તેમજ અમીતભાઇ, કમલેશસિંહ, રજુસિંહ, દિપકભાઇ, રાજદિપસિંહ સહિતની ટીમ દ્વારા ઓનલાઇન પ્લોટ ખરીદવા બાબતની અલગ અલગ સ્કીમો કરી ફોર્ડ કરનાર હિતેષ મહેશભાઇ મહેરીયા (રહે.૪૪, જોગેશ્વરનગરની ચાલી, પૂજા હોસ્પિટલ પાસે, મેઘાણીનગર, અમદાવાદ)ને ઝડપી લીધો હતો.

આરોપી પાસેથી અલગ અલગ ત્રણ મોબાઇલ તથા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા પૈસા ઉપાડવા 17 એટીએમ કાર્ડને પણ જપ્ત કરવામાં આવ્યા છે. મેઘાણીનગર ખાતે માસ્ટમાઇન્ડ કમલ ઉર્ફે કિશન નામનો શખ્સ કોલ સેન્ટરના માધ્યમથી અરજદારોને ફોન કરીને લાલચ આપતો હતો. જેમાં હિતેષ મહેશ મહેરીયા તેની સાથે સંકળાયેલો હતો અને ડિપોઝીટ તથા રજીસ્ટ્રેશનના થયેલા નાણાની રકમ ઉપાડવાનું કામ કરતો હતો. જેમાં તે અલગ અલગ એટીએમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. જોકે મુખ્ય સુત્રધાર કમલ ઉર્ફે કિશનની ધરપકડ કરવાના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જોકે હાલમાં તો પોલીસને ઓનલાઇન છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.