બનાસકાંઠાઃ એકસાથે નવા ૨૧ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો.

બનાસકાંઠા
palanpur hospital
બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં આજે એકસાથે ૨૧ કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય અને નાગરિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં દર્દીઓની સંખ્યાનો રાફડો ફાટતાં દોડધામ મચી ગઇ છે. સૌથી વધુ પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના વાયરસનો મહાવિસ્ફોટ થયો હોઇ સંબંધિત વિસ્તારમાં અફરાતફરી જેવી સ્થિતિ બની છે. પોઝિટીવ કેસના દર્દીની વિગતો જાણી સંપર્કમાં આવેલા ભારે મુંઝવણમાં મુકાઇ ગયા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસની સંખ્યામાં જાણે બોમ્બગોળો ફાટ્યો છે. આજે પાલનપુરમાં ૧૨, ડીસામાં ૭, વડગામમાં ૧ અને શિહોરીમાં ૧ મળી નવા ૨૧ કેસ સામે આવ્યા છે. આ તરફ પાલનપુરમાં કોરોના પોઝિટીવ દર્દીનું મોત થતાં પંથકમાં ફફડાટનું વાતાવરણ ગરમાયુ છે. મહોલ્લાંમાં પોઝિટીવ દર્દી આવ્યાનું જાણ્યા બાદ સંબંધીઓ, આસપાસના રહીશો, મિત્રો, અગાઉ એક અઠવાડીયા દરમ્યાન મુલાકાત લઇ ચૂકેલા લોકો ગભરાહટ વચ્ચે મુંઝાઇ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સેમ્પલ આવવામાં મોડું થતા અને એક સાથે રિઝલ્ટ ડિક્લેર થતાં ૨૧ પોઝિટિવ કેસો આવી ગયા હતા. પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજમાં લેબમાં યાંત્રિક ખામી હોવાથી ૪૦૦થી વધુ સેમ્પલનું રીઝલ્ટ પેન્ડિંગ હતું. એક સાથે જ આટલા બધા કેસ આવતા જિલ્લા કલેક્ટરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્યની ટીમને બોલાવી વધતા કેસો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

આરોગ્ય વિભાગ પોઝિટીવ દર્દીઓના હાઇ અને લો રીસ્ક કોન્ટેક્ટ શોધી તેની યાદી કરશે. જેમાં લક્ષણો ધરાવતાં હોય તેવાને ફેસેલિટી કે હોમ ક્વોરેન્ટાઇન કરી તપાસ હેઠળ રાખશે. આજે થયેલા કોરોના વિસ્ફોટને કારણે શંકાસ્પદોની સંખ્યાનો આંકડો ૧૦૦ ઉપર જઇ શકે તેવી પ્રબળ સંભાવના છે. આ સાથે પોઝિટીવ દર્દીથી થઇ ગયેલ સંક્રમણને કારણે કોરોના દર્દીઓની સંખ્યા બનાસકાંઠા જીલ્લામાં વધી જાય તેવી ભિતી ઉભી થઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.