ફ્લાઇટમાં ૬૦ ટકા ગુજરાતી હોવા છતાં અમેરિકાથી ગુજરાત તરફ ડાયરેક્ટ ફ્લાઇટ નહીં

ગુજરાત
ગુજરાત

અમદાવાદ ખાતે ૧૫ ડિસેમ્બરથીયોજાનારા પ્રમુખસ્વામી જન્મશતાબ્દિ મહોત્સવ માટે વિદેશથી ૧ લાખ ગુજરાતીઓ આવવાના છે, આ પૈકી મોટાભાગના અમેરિકા છે. એટલું જ નહીં અમેરિકા અવર-જવર કરતી કોઇપણ ફ્લાઇટમાં સરેરાશ ૬૦ ટકા ગુજરાતીઓ હોય છે. આમ છતાં ગુજરાતથી અમેરિકા માટે કોઇ ડાયરેક્ટ ફ્લાઇટ નહીં હોવાથી ગુજરાતીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એર ઈન્ડિયાએ તાજેતરમાં મુંબઇ-ન્યૂયોર્ક, દિલ્હી-મિલાન, દિલ્હી-વિયેના, દિલ્હી-કોપેનહેગન વચ્ચે આવતા વર્ષથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૃ કરવાની જાહેરાત કરી છે. જોકે, અમેરિકા માટે ડાયરેક્ટ ફ્લાઇટમાં અમદાવાદને ફરી નજરઅંદાજ કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતથી અમેરિકા જતાં મુસાફરોને દિલ્હી,મુંબઇ, બેંગલોરથી ફ્લાઇટ બદલવી પડે છે. જેના કારણે સ્થિતિ એ સર્જાય છે કે, આ એરપોર્ટ પહોંચ્યા બાદ તેમને ૯-૧૦ કલાક સુધી એરપોર્ટમાં બેસી રહેવું પડે છે. આ એરપોર્ટથી જ અમેરિકા જવા ચેક-ઈન, સિક્યુરિટીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે ખાસ કરીને વૃદ્ધોને ભારે પરેશાની નડે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૭માં અમદાવાદથી અમેરિકા માટે ડાયરેક્ટ ફ્લાઇટ શરૃ કરાઇ હતી. પરંતુ ૨૦૧૨માં તે બંધ કરાઇ, જે ૧૦ વર્ષ બાદ પણ શરૃ કરાઇ નથી. અમદાવાદ-અમેરિકા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ નહીં શરૃ કરવા અંગે અમેરિકા દ્વારા અગાઉ એવું કારણ દર્શાવવામાં આવતું હતું કે અમેરિકાના ધારા-ધોરણ મુજબની અદ્યતન બેગેજ સ્કેનિંગ સિસ્ટમ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નહીં હોવાથી ફ્લાઇટ શરૃ કરાતી નથી. પરંતુ ખાનગીકરણ થયા બાદ હવે બેગેજ સ્કેનિંગ સિસ્ટમ પણ અમેરિકાના ‘ધારા-ધોરણ’ પ્રમાણેની થઇ ગઇ છે. આમ છતાં અમેરિકા દ્વારા ડાયરેક્ટ ફ્લાઇટ શરૃ કરવા માટે ઈન્સ્પેક્શનની ટીમ અમદાવાદ મોકલવામાં આવી રહી નથી.
છેલ્લા પાંચ વર્ષથી અમેરિકાથી અમદાવાદની ફ્લાઇટ માટે સ્લોટ હોવા છતાં ડાયરેક્ટ ફ્લાઇટ શરૃ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. આ અંગે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિયેશન-અમેરિકાના વાસુદેવ પટેલે જણાવ્યું કે, ‘હાલ ગુજરાતીઓને અમેરિકા જવા પહેલા દિલ્હી-મુંબઇ પહોંચવું પડે છે. આ એરપોર્ટમાં કલાકો સુધી રાહ, લાંબી લાઇન સહિતની થકવી નાખનારી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફ્લાઇટમાં બેસવા મળે છે. અમદાવાદથી અમેરિકા જવા અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ કોઇ નિકાલ આવ્યો નથી. આ મામલે સક્રિયતાથી પગલા લેવામાં આવે તો અમેરિકા અવર-જવર કરતાં ગુજરાતીઓને રાહત મળી જાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.