જયશંકર : ન્યાયના કઠેડામાં લઈ જવા જોઈએ 26/11ના મુંબઈ હુમલાના સાજીશકર્તાઓને

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે ૨૬-૧૧-૨૦૦૮ના દિવસે મુંબઈની ખ્યાતનામ હોટેલ- હોટેલ ‘તાજ’ ઉપર થયેલ આતંકી હુમલામાં માર્યા ગયેલા તેમજ ઇજાગ્રસ્તોને સ્મરણાંજલિ અર્પતા કહ્યું હતું કે, ‘આતંકવાદ સમગ્ર માનવ જાત સમક્ષનો ભય છે. તેઓએ વધુમાં તેમ પણ કહ્યું હતું કે, જે લોકોએ આ હુમલાની યોજના બનાવી હતી અને તેની ઉપર ‘દેખરેખ’ પણ રાખી હતી તેઓને ન્યાયના કઠેડામાં લઈ જવા જોઈએ.’
વિદેશ મંત્રીએ તેમના ટ્વિટ ઉપર લખ્યું હતું કે, ‘આતંકવાદ માનવતા માટે ભયરૂપ છે. આજે ૨૬-૧૧ના દિવસે ભારત સાથે સમગ્ર વિશ્વ પીડિતોને યાદ કરે છે. જેમણે આ હુમલાની સાજીશ રચી હતી અને જેમણે તેમની ઉપર ‘દેખરેખ’ રાખી હતી તેઓને ન્યાયના કઠેડામાં લઈ જવા જોઈએ.’
જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તે હુમલાની ૧૪મી વરસીએ કહ્યું હતું કે, દેશ તે સર્વેને કૃતજ્ઞાતા સાથે યાદ કરે છે જેમને આપણે ગુમાવ્યા છે. આપણે તેઓના પ્રિયજનો, પરિવારોનાં દુ:ખમાં સહભાગી છીએ, રાષ્ટ્ર તે સુરક્ષા કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પે છે કે જેમણે કર્તવ્ય પાલનમાં બહાદુરીભર્યું યોગદાન આપ્યું અને સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુ.મં. એકનાથ શિંદે, નાયબ મુ.મં. દેવેન્દ્ર ફડણવીસે પણ શનિવારે ‘પોલીસ મેમોરિયલ’ ઉપર દીવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
૨૬ નવેમ્બર ૨૦૦૮ના દીવસે ‘લશ્કર એ તૈય્યબાના’ ૧૦ આતંકીઓએ ગોળીબારો અને હાથ બોમ્બ સાથે મુંબઈની જગ વિખ્યાત હોટલ તાજ ઉપર હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા.
ગયા મહિને જ, ભારતમાં યુનોની સલામતી સમિતિ (યુએનએસસી)ની આતંકવાદ વિરોધી એક વિશિષ્ટ બેઠક મળી હતી બે દિવસની આ બેઠકમાં ભારત યજમાનપદે હતું તેનું અધ્યક્ષપદ પણ ભારતે સંભાળ્યું હતું.
આ પછી દિલ્હી ઘોષણાપત્ર પણ પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આતંકીઓને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવાની કાર્યવાહી પણ ઘણી જ ચિંતાજનક બની રહી છે. આથી તમામ સભ્યોએ (સભ્ય દેશોએ) આતંકવાદ સામેના યુદ્ધમાં પૂરેપૂરો સહકાર આપવો જ જોઈએ. કારણ કે આતંકવાદ તે શાંતિ અને સલામતી સામેના ગંભીર ખતરા પૈકીનો એક ઘણો જ ગંભીર ખતરો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.