કોરોનાના કેસ ઘટતા હવે વિમાનમાં પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવો ફરજીયાત નહીં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત નથી, કોરોનાના ઘટતા કેસોની નોંધ લઈને આવી જાહેરાત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઘટયા હોવા છતાં સલામતી માટે યાત્રિકોએ માસ્ક પહેરવું હિતાવહ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો સામે આવ્યા બાદથી હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક અથવા ફેસ કવર પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કોરોના કેસોમાં ઘટાડો નોંધાતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે એરલાઈન્સને પત્ર દ્વારા જણાવ્યું કે, કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળતાં યાત્રિકોને માસ્ક અથવા ફેસ કવર પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. મંત્રાલયે તેમના પત્રમાં વધુમાં જણાવ્યું કે, હવેથી એરલાઈન્સ ફલાઈટમાં કોરોનાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક અથવા ફેસ કવર પહેરવાની ફકત સલાહ આપી શકશે. તે સાથે જ તેમણે એરલાઈન્સને આ મામલે દંડ વસૂલ ન કરવાની સૂચના આપી હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો તેમના કોરોના મહામારીના વર્ગીકૃત અભિગમનો ભાગ છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળતાં સરકારે નવી છૂટછાટો જાહેર કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાનો સંક્રમણ દર ૦.૦૨ ટકા છે, જયારે રિકવરી રેટ વધીને ૯૮.૭૯ ટકા થઈ ગયો છે. ભારતમાં કોરોનાની બીમારીમાંથી સાજા થનારની સંખ્યા વધીને ૪,૪૧,૨૮,૫૮૦ થઈ ગઈ છેે. દેશમાં કોરોનાને કારણે મૃત્યુ દર ૧.૧૯ ટકા નોંધાયો છે.

ઇન્ડોનેશિયાના બાલિમાં ચાલી રહેલા જી-૨૦ સંમેલનમાં શામેલ દેશોએ કોરોનાને કારણે પ્રવાસનને લગતાં પ્રતિબંધોને લઈને જાહેરાત કરી હતી કે, પ્રવાસન ક્ષેત્રની રિકવરી માટે બધા દેશોએ ભેગા મળીને તેને લગતાં નિયમો હળવા કરવા જોઈએ.

જી-૨૦ દેશોએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડયો હતો અને તેનું મુખ્ય કારણ પ્રવાસન પર લગાવેલા પ્રતિબંધો હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.