ભાજપ માટે લોકપ્રિયતા વધારે મહત્વની પણ ઉમેદવારના ગુના નહીં

ગુજરાત
ગુજરાત

પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરતાં જ તમામ પાપ ધોવાઇ જતા હોય છે. આવું જ કંઇક રાજકારણમાં ખાસ કરીને શાસક પક્ષનું હોય છે, જેમાં જોડાતાં જ રીઢા ગુનેગારને પણ ‘નખશીખ સજ્જન’ તરીકે ખપાવી દેવામાં આવે છે. આવો જ કંઇક ચિતાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલા નિયમો અનુસાર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર, તેમના પર નોંધાયેલા ગુના, ટિકિટ આપવાનું કારણ અને એકપણ ગુનો નહીં ધરાવતા દાવેદારને સ્થાને આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેની વિગતો જારી કરી છે. જેમાં ભાજપે આ ગુનાઈત ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કરતાં તેની ‘લોકપ્રિયતા’ નું બહાનું રજૂ કર્યું છે.સામાન્ય રીતે પ્રત્યેક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરતી વખતે પોતાની સામે કોઇ ગુનો નોંધાયો હોય તો તેની વિગત એફિડેવિટમાં દર્શાવવી પડે છે. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રત્યેક પક્ષે ગુનાઈત ઉમેદવારની વિગતો-તેને ટિકિટ આપવાનું કારણ માધ્યમો દ્વારા ૩ વખત પ્રકટ કરાવવી પડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનો નિયમ પ્રથમવાર અમલી થયો છે. આ નિયમના ભાગરૃપે ભાજપ દ્વારા ૩૦ ગુનાઈત ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક ઉમેદવારો પર અનેક ગુના હોવા છતાં તેઓ લોકપ્રિય છે, પક્ષના સંનિષ્ઠ કાર્યકર છે, કર્તવ્યનિષ્ઠ છે, ગુનો નહીં ધરાવતા અન્ય દાવેદારો કરતાં તે વધારે સારો વિકલ્પ છે તેવા વિવિધ કારણો આપ્યા છે.શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સામે ચાર ગુના છે છતાં ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ટિકિટના કારણમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ઉમેદવાર ના કેવળ પાત્રતા ધરાવે છે બલ્કે સમાજ સેવા-પક્ષ સાથે સંકળયેલા છે. તેઓ ખૂબ જ લોકપ્રિય નેતા છે.પોતાના મતવિસ્તારનો બહોળો અનુભવ છે. આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેમાં એવો બચાવ કરાયો છે કે હજુ સુધી આરોપ ઘડાયા પણ નથી અને બે વખત ધારાસભ્ય ચૂંટાયા હોવાથી તેમનું પલ્લુ હરીફો પર ભારે રહેશે.આ જ રીતે એલિસબ્રિજ બેઠકના ઉમેદવાર અમીત પી. શાહ સામે ગુના નોંધાયા છે. જેમાં પણ એવું કારણ દર્શાવાયું છે કે તેઓ પક્ષના વરિષ્ઠ-કર્તવ્યનિષ્ઠ કાર્યકર છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં પણ ચૂંટાઇને મહત્વની જવાબદારી સંભાળી છે.ગુનાઈત ઉમેદવાર જ કેમ ? તેના ઉત્તરમાં કહ્યું છે કે, વરિષ્ઠ કાર્યકર હોવાને કારણે તેમનું પલ્લું અન્ય કરતાં ભારે. વૈમન્સયને આધારે રાજકીય હરીફો દ્વારા ગુનો દાખલ કરાયો. કેસ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને પક્ષનું માનવું છે કે તેનાથી તેમના પર કોઇ પ્રતિકૂળ અસર નહીં પડે.વડગામના ઉમેદવાર મણિભાઇ વાઘેલા સામે ચાર ગુના હોવા છતાં ટિકિટ આપવાનું કારણ એવું દર્શાવાયું છે કે ઉમેદવાર ના કેવળ પાત્રતા ધરાવે છે બલ્કે સમાજ સેવા-પક્ષ સાથે સંકળયેલા છે. તેઓ ખૂબ જ લોકપ્રિય નેતા છે. તેમની સામે ફક્ત આક્ષેપ ઘડાયા છે, તે પુરવાર થયા નથી. તેઓ નિર્દોષ જાહેર થઇ શકે છે. અગાઉ પણ તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.