અબોલ જીવોને બચાવવા પાંજરાપોળ – ગૌશાળાના સંચાલકો લડાયક મુડમાં

બનાસકાંઠા
DEESA GAUSAHALA
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમા આવી ચૂક્યું છે. લોકડાઉનના પગલે સામાન્ય માનવીની હાલત કફોડી બની છે પરંતુ તેનાથી પણ દારુણ સ્થિતિ અબોલ પશુ જીવોની બની છે. દાતાઓના સહયોગથી ચાલતી પાંજરાપોળ અને ગૌશાળાઓમાં લોકડાઉનના પગલે આર્થિક સહાય બંધ થઈ જતા બનાસકાંઠાની વિવિધ ગૌશાળામાં આશ્રિત ચાર લાખ જેટલા પશુઓને કઈ રીતે નિભાવવા ? તે સવાલ ઉભો થયો છે. જોકે, આવી સ્થિતિમાં પાંજરાપોળ તેમજ ગૌશાળાના સંચાલકો દ્વારા સરકારી સહાય માટે અવાર નવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ સરકારી સહાય ચુકવવામાં સરકારની ઢીલી નીતિ જવાબદાર બની છે. જેના કારણે પશુઓની હાલત દિન પ્રતિદિન દયનિય બની જવા પામી છે ત્યારે આવા કપરા સમયે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાય તાત્કાલિક ધોરણે મળી રહે તેવી ઉગ્ર માગ પણ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો કરી રહ્યા છે. આ મામલે ડીસા રાજપુર પાંજરાપોળ કાર્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લાની તમામ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે પાંજરાપોળ ગૌશાળામાં દાતાઓ દ્વારા મળતું દાન બંધ થઇ જવા પામ્યું છે. જેના કારણે અબોલ જીવોનો નિભાવ કઈ રીતે કરવો ? તે પ્રશ્ન વિકટ બન્યો છે. આવા સમયે સરકાર અબોલ જીવોને અપાયેલી સહાય લંબાવી અને બાકી સહાય તાત્કાલિક ધોરણે ચૂકવે તે અત્યંત જરૂરી છે નહિતર લાખો અબોલ જીવો મોતના મુખમાં ધકેલાઈ જશે અને તેના માટે નાછૂટકે સંચાલકો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવો સુર પણ આજની બેઠકમાં ઉઠવા પામ્યો હતો. બાદમાં આ અવાજ સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટે ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ પોતાની આ પીડા મીડિયા સમક્ષ ઠાલવી હતી. ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા સહાય નહિ ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું. અબોલ જીવોની આંકડાકીય માહિતી જોતા ગુજરાતમાંની તમામ ગૌશાળા પાંજરાપાળોમાં હાલમાં ચાર લાખ પશુઓ આશ્રિત છે. જેમાંના કચ્છ અને બનાસકાંઠામાં ત્રણ લાખ જેટલા વધુ પશુઓ છે. ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ આશ્રિત છે તેમાં મોટાભાગના બીમાર તેમજ બિનઉપજાઉં હોવા છતાં પણ આ સંસ્થાઓ જીવદયાનાં હેતુથી પશુઓની સારસંભાળ અને નિભાવ કરતી આવી છે પણ તેનો નિભાવ કરવાનો ખર્ચ દાનની આવકમાંથી ચાલે છે અને આવી સંસ્થાઓ દાતાઓના દાન પર જ નિર્ભર હોય છે જેમાં એક પશુને એક દિવસ નિભાવવાનો ખર્ચ અંદાજિત રૂ.૪૫ થી ૫૫ નો થતો હોય છે. જોકે હાલમાં લોકડાઉનના પગલે દાતાઓ ઓ તરફથી મળતું દાન બંધ થઈ ચૂક્યું છે. તેમજ સરકાર પણ સહાય ન ચૂકવતા મોટાભાગની પાંજરાપોળ અને ગૌશાળાઓ દેવા તળે ડૂબી ચુકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.