ગુજરાતના સરકારી કર્મચારીઓને રાજસ્થાન જેવો લાભ આપીશું, રાહુલ ગાંધીએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. ત્યારે આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ રાજકીય પક્ષો દિવસ-રાત એક કરીને કામગીરીમાં જોતરાયા છે. વધુમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહીતના પક્ષો વચનોની લ્હાણી કરી મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી 3 મોટા વાયદાઓ આપ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાતના સરકારી કર્મચારીઓને લઈ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે સરકારીકર્મીઓ માટે 3 મોટા વાયદાઓ કર્યા છે. સરકારી નોકરીઑમાં કોન્ટ્રાક્ટકર્મીઓને કાયમી નોકરીની ગેરંટીનુ વચન આપવામાં આવ્યું છે. વધુમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનો પણ રાહુલ ગાંધીએ વાયદો કર્યો છે. ઉપરાંત સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનો પણ વાયદો કરવામાં આવ્યો છે. વધુમાં રાજસ્થાન જેવો ગુજરાતના સરકારી કર્મચારીઓને લાભ આપશુ. તેવો રાહુલ ગાંધીએ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે અગાઉ જણાવ્યું હતું કે સરકાર બનશે તો કોંગ્રેસ શું કરશે તેના વચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજ્યના તમામ નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ કોંગ્રેસ આપશે. ખેડૂતોનું દેવું માફ કરાશે અને દિવસે વીજળી કોંગ્રેસ મફત આપશે. ઘરનું 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો સિલિન્ડર રૂ. 500માં કોંગ્રેસ આપશે. 10 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે. વધુમાં ભાજપના રાજમાં વીજ કંપનીઓ દર ત્રણ મહિને યુનિટ દરમાં ભાવ વધારો કરી લૂંટ ચલાવી રહી છે, પરંતુ કોંગ્રેસની સરકાર બનતા જ અમે ગુજરાતની પ્રજાને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપીશું અને વીજ કંપનીઓની લૂંટને અટકાવીશુ.
સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, 10 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે, કોંગ્રેસની સરકાર બેરોજગાર યુવાઓને રૂ. 3 હજાર માસિક ભથ્થું આપશે. કોંગ્રેસ પશુપાલકોને પ્રતિ લિટરે રૂ. 5ની સબસિડી આપશે. કોન્ટ્રાક્ટ પ્રથાને નાબૂદ કરવામાં આવશે. ગુજરાતની દીકરીઓ માટે કેજીથી પીજી સુધીનો અભ્યાસ કોંગ્રેસ ફ્રીમાં કરાવશે. કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને કોંગ્રેસ રૂ. 4 લાખનું વળતર આપશે.