વિરાટ કોહલીની મેજિકલ ઈનિંગની મદદથી ભારતે અંતિમ પાંચ ઓવરમાં ૬૦ રન ઝૂડ્યા
મેલબોર્ન, વિરાટ કોહલીની મેજિકલ ઈનિંગની મદદથી ભારતે ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ચાર વિકેટે જાેરદાર લપડાક આપીને ગત વર્ષે ટી૨૦ વર્લ્ડ કપમાં મળેલા પરાજયનો ૩૬૪ દિવસ બાદ બદલો લીધો હતો. કોહલીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આશરે ૯૦ હજારથી વધુ દર્શકોની હાજરી વચ્ચે કોહલીએ ૮૨ રનની વિરાટ ઈનિંગ રમીને ૧૬૦ રનના લક્ષ્યાંકને છેલ્લા બોલે પાર પાડીને કાળીચૌદશે પાકિસ્તાનના રૂપે કકળાટ કાઢ્યો હતો.
આ સાથે જ કોહલીએ તેના ટિકાકારોને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પાકિસ્તાને ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૯ રન કર્યા હતા. અક્ષર પટેલની એક ઓવરમાં ૨૧ રન ઉપરાંત ભારત દ્વારા કેટલાક બેટ્સમેનોને જીવતદાન અપાતા પાક. મજબૂત સ્કોર ઉભો કરી શક્યું હતું. જવાબમાં ભારતે નાટ્યાત્મક અંતિમ ઓવરની સાથે છેલ્લા બોલે ૧૬૦ રનનો લક્ષ્યાંક પાર કરી લઈને દિવાળી પૂર્વે દેશવાસીઓને રિટર્ન ગિફ્ટ આપી હતી. ભારતને અંતિમ ઓવરમાં જીત માટે ૧૬ રનની જરૂર હતી. પાકિસ્તાનના બોલર નવાઝે પ્રથમ બોલ પર જ સેટ બેટ્સમેન હાર્દિક પંડ્યા (૪૦)ની વિકેટ ઝડપીને ભારત પર દબાણ લાવ્યું હતું. ફિનિશર કાર્તિક કોહલી સામે ક્રીઝ પર આવ્યો હતો અને તેણે એક રન લીધો હતો. ત્યારબાદ કોહલીએ બે રન દોડતાં ભારતને ત્રણ બોલમાં ૧૩ રનની જરૂર હતી. નવાઝના ચોથા બોલ પર કોહલીએ છગ્ગો માર્યો હતો.
આ બોલ કમરથી ઉપરનો ફૂલટોસ હોવાથી અમ્પાયરે નો-બોલ આપ્યો હતો જેથી ભારતને સાત રન અને સાથે જ ફ્રી હિટ પણ મળી હતી. ભારે દબાણ હેઠળ પાકિસ્તાની બોલરે ભારે ભૂલો કરી હતી અને ત્યારબાદ નવાઝે વાઈડ બોલ ફેંકતા ભારતને એક રન મળ્યો હતો. ત્યારપછીના બોલમાં વિરાટ બોલ્ડ થયો હતો પરંતુ ફ્રી હિટ હોવાથી કોહલીને આઉટ અપાયો નહતો અને તેણે ત્રણ રન દોડ્યા હતા જેથી કાર્તિક સ્ટ્રાઈક પર આવ્યા હતો અને બે બોલમાં જીત માટે બે રનની જરૂર હતી. કાર્તિક સ્લો બોલને સમજવામાં થાપ થાઈ ગયો હતો કમનસીબે બોલ પેડ પર લાગીને સીધા વિકેટકીપર રિઝવાનના હાથમાં જતા તેણે ક્રિઝ બહાર નિકળેલા કાર્તિકને સ્ટમ્પ આઉટ કરતાં ભારતને છઠ્ઠો ઝટકો આપ્યો હતો.
નવા બેટ્સમેન તરીકે રવિચન્દ્રન અશ્વિને મોરચો સંભાળ્યો હતો અને ભારતને જીત માટે એક બોલમાં બે રનની જરૂર હતી. ભારતીય બેટ્સમેનના ખૌફ હેઠળ પાક. બોલરે વધુ એક ભૂલ કરી હતી અને વાઈડ બોલ ફેંકતા ભારતને ફક્ત એક રનની જરૂર રહેતા જીતની આશા ઉજળી બની હતી. અશ્વિને અંતિમ બોલ પર વિનિંગ શોટ ફટકારતા ભારતનો અંતિમ બોલે રોમાંચક વિજય થયો હતો. ભારતે આ અગાઉ ૧૯મી ઓવરમાં ૧૫ રન સહિત અંતિમ ત્રણ ઓવરમાં ૪૮ રન કરીને એક સમયે અશક્ય લાગતા ટારગેટને ચેઝ કર્યો હતો. ઓપનર કે એલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્મા ૪-૪ રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા.
સૂર્યકુમાર પાસેથી ટીમને મજબૂત ઈનિંગની અપેક્ષા હતી પરંતુ તે પણ ૧૫ રન કરી આઉટ થયો હતો. કોહલી એક છેડો સાચવીને પોતાની ઈનિંગને આગળ ધપાવી રહ્યો હતો. પાંચમાં ક્રમે બેટિંગમાં આવેલા અક્ષર પટેલ બે રન કરીને રન આઉટ થતા ભારતે ૩૧ રનમાં ચાર વિકેટ ગુમાવતા જીત આડે અવરોધ ઉભો થયો હતો. જાે કે હાર્દિક પંડ્યાએ વધુ એક વખત સંકટમોચક બનીને ટીમને ઉગારતા ૩૭ બોલમાં ૪૦ રનની ઈનિંગ રમી હતી.
તેની અને કોહલી વચ્ચે પાંચમી વિકેટ માટ ૧૧૩ રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી. ભારતીય ટીમની ખરાબ શરૂઆત બાદ હાર્દિક અને વિરાટે બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે ૧૧૩ રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ થઈ હતી. ભારતીય બેટ્સમેનોએ ૧૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૦ રન કર્યા હતા અને અંતિમ પાંચ ઓવરમાં પાક. બોલર્સની ધોલાઈ કરતા ૬૦ રન ઝૂડ્યા હતા. ભારતને પાંચ ઓવરમાં જીત માટે ૬૦ રનની જરૂર હતી. આ પૈકી રઉફ અને નસીમે ૧૬ અને ૧૭મી ઓવરમાં અનુક્રમે ફક્ત છ-છ રન જ આપ્યા હતા. બાકીના ૪૮ રન ભારતે ત્રણ ઓવરમાં ફટકારીને ભારતીયોને દિવાળીની વિજયી ભેટ આપી હતી.