આજે અમિત શાહ ઉત્તર ગુજરાતમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે છેલ્લી ઘડીએ રાજ્યમાં લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદી પણ 31મી ઓક્ટોબરે થરાદમાં 4 વિકાસ કામોના ખાતમૂહૂર્ત કરશે. ત્યારે બીજી બાજુ દિવાળીના તહેવારમાં પણ ભાજપમાં ચૂંટણીલક્ષી કામો ચાલુ જ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમના પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેઓ ઉત્તર ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કાર્યકરો સાથે બેઠક યોજશે અને ચૂંટણી લક્ષી રણનીતિ બનાવશે. બીજી તરફ આવતીકાલે ભગવાન સોમનાથના સાનિધ્યમાં તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે.
ઉત્તર ઝોનમાં 32 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે જ્યારે 18 બેઠક કોંગ્રેસ પાસે છે. અમદાવાદની 21 બેઠકમાંથી 15 ભાજપ અને જ્યારે 6 બેઠક કોંગ્રેસ પાસે છે. અમદાવાદની 21 બેઠકમાં 15 ભાજપ જ્યારે 6 બેઠક કોંગ્રેસ પાસે છે. કચ્છ 6 બેઠકમાંથી 5 ભાજપ પાસે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે. બીજી તરફ વિપુલ ચોધરીને લઈને અર્બુદા સેના મેદાને પડી છે. જ્યારે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ ઉત્તર ગુજરાતમાં મજબૂત થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરનો પણ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વધુ સીટો મેળવવા માટે અમિત શાહ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.