પાટણમાં રિક્ષામાં ભૂલી જવાયેલું બે લાખનાં દાગીનાનું પાકીટ પોલીસે પરત અપાવ્યું
પાટણ શહેરનાં બગવાડા દરવાજે રિક્ષામાંથી ઉતરેલા એક મુસાફર રિક્ષામાં રૂા. 2 લાખનાં દાગીના ભરેલું પાકીટ ભૂલી ગયા હતા. જે પાકીટને પોલીસે પાટણ જિલ્લા પોલીસનાં કમાન્ડ કંટ્રોલ રૂમનાં સી.સી. ટી.વી.માં તપાસને તે રિક્ષાનો પત્તો મેળવીને આ પાકીટ રિક્ષાચાલક પાસેથી મૂળ માલિકને પરત અપાવ્યું હતું.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ તાલુકાનાં ખારીવાવડી ગામે પિયર ધરાવતા અને અમદાવાદ રબારી કોલોની ખાતે રહેતા સેજલબેન નાગજીભાઇ દેસાઇ તેમની માસીનાં ભાણીયાનાં લગ્ન હોવાથી તેઓ આજે સવારે 10 વાગે અમદાવાદથી પાટણ ખાતે આવીને શહેરનાં ખાડીયા વિસ્તારમાં ઉતર્યાં હતા ને અત્રેથી પાટણના ખારીવાવડી જવા માટે રીક્ષા બાંધી હતી. તેનાં ચાલકનું નામ હિતેષ ઠાકોર હતું.
સેજલબેન આ રિક્ષામાં બગવાડા સર્કલ સુધી ગયા હતા ને ત્યાંથી બીજી રીક્ષા બાંધી હતી. બાદમાં તેઓને રસ્તામાં ખબર પડી કે, તેમનું પાકીટ ઉપરોક્ત રીક્ષામાં ભૂલી ગયા છે. બાદમાં તેઓ પરંતુ બગવાડા આવ્યા હતા ને ઉપરોક્ત બાબતે પૂછપરછ કરી હતી. પરંતુ આ રિક્ષા મળી નહોતી. જેથી સેજલબેને તેમનાં પોલીસ ખાતામાં નોકરી કરતા વિષ્ણુભાઈનો સંપર્ક કર્યો હતો જેથી વિષ્ણુભાઈએ પાટણ સીટી ટ્રાફિક પીએસઆઇ સી.એન. દવેનો સંપર્ક કરાવતાં તેઓએ પાટણનાં નેત્રમ કમાન્ડ કંટ્રોલરૂમ ખાતે સીસી ટીવી ચેક કરાવતાં તે માફરતે ઉપરોક્ત રીક્ષા ચાલકને શોધી કાઢીને ચાલક હિતેશ પાસેથી સેજલબેનનું પાકીટ પરત અપાવ્યું હતું. આ પાકીટમાં સોનાનું મંગળસૂત્ર, વીંટી, ડોકિયું, કડા વગેરે રૂા. 2 લાખની જણસો હતી.