દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાંચ પિયત પાણી આપવામાં આવશે

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ચાલુ વર્ષે મેઘરાજાની સર્વત્ર મહેર થતા દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ છલોછલ ભરાયો હતો. જેથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેડૂતોને પાંચ વખત પિયત માટે પાણી આપવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. છેલ્લા પાંચ વર્ષથી પિયતના અભાવે અનેક ખેડૂતો રવિ સિઝન લઈ શકતા ન હતા.

દાંતીવાડા ડેમના કમાંડ વિસ્તારમાં આવતા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગામોને સને ૨૦૨૨-૨૩ ની રવિ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે પાંચ પિયત સાથે ૨૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરાયું છે.જેથી પાણી લેવાની ઈચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પાણી મેળવવા બાબતની અરજી નિયત નમુના ફોર્મ- ૭ માં જરૂરી વિગત દર્શાવી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીમાં જે તે વિસ્તારના સિંચાઈ નિરીક્ષક અથવા કારકુનોને રૂબરૂમાં પહોંચાડવા જણાવાયું છે.

ખેડૂતોએ આ અરજીની સાથે ખાતાની બાકી અને પંચાયતની સિંચાઈ બાકી વસુલાતની રકમ તથા ચાલુ સિઝનની અગોતર સિંચાઈ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. ચાલુ સાલે ખેડૂતોને પ્રતિ પાણ દીઠ પ્રતિ હેક્ટરના પિયાવો રૂ.૩૨૪.૦૦ તથા ૨૦ ટકાના દરે લોકલ ફંડ રૂપિયા ૬૪.૮૦ કુલ મળી ૩૮૮.૮૦ પ્રતિ હેકટર દીઠ ભરવાના રહેશે. ખેડૂતોએ અરજી આપી પાણીનો પાસ મેળવી લેવા અને ઢાળીયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે તેમ કાર્યપાલક ઇજનેર ડીસા સિંચાઇ વિભાગની યાદીમાં જણાવાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.