બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસે બનાવી ચૂંટણી વ્યૂહરચના

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા,  બનાસકાંઠા જિલ્લામાં આવેલી ૯ વિધાનસભા સીટો પર જીત મેળવવી તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વની છે. હવે ગણતરીના દિવસોમા જ વિધાનસભાની ચૂંટણી જાહેર થનાર છે.જિલ્લામાં ભાજપ કોંગ્રેસે પોત પોતાના કાર્યકરો-આગેવાનો સાથે ચૂંટણી જીતવા રાજકીય વ્યૂહરચના બનાવી ચૂક્યાં છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ જુદી જુદી લોભામણી જાહેરાતો તેમજ ચૌધરી, પટેલ સમાજ અને ગરીબ વર્ગના લોકોને પોતાની તરફ વાળી ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ બનાસકાંઠામાં બીજેપીનું સંગઠન પ્રત્યેક ગામમાં ફેલાયેલું છે. જિલ્લામાં મોટાભાગની ગ્રામપંચાયતોમાં બીજેપીને સપોર્ટ કરનાર સરપંચોનું અસ્તિત્વ છે,તો કુલ ૧૪ તાલુકા પંચાયતોમાંથી ૧૧ તાલુકા પંચાયતો પર ભાજપનો કબજો છે. તો ૬ નગરપાલિકાઓમાંથી પણ ૪ ભાજપનું શાસન છે. એટલું જ નહીં બે વિધાનસભા અને ૨ સંસદસભ્યો પણ ભાજપના જ છે.આમ,જિલ્લામાં ભાજપનું સરહદી ગામડાઓથી લઈ સંસદભવન સુધીનું પ્રતિનિધિત્વ છે.

પરંતુ ૯ વિધાનસભા માંથી માત્ર ડીસા અને કાંકરેજ સીટ જ ભાજપ પાસે હોવાથી આ વખતે તમામ નવે નવ સીટ જીતવા ભાજપે તમામ સમાજોને સાથે રાખી ચૂંટણી જીતવાની રણનીતી બનાવી છે.

કોંગ્રેસ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સારું નેટવર્ક ધરાવે છે. કોંગ્રેસ પાસે જિલ્લાની ૯ વિધાનસભામાંથી ૭ સીટો છે તેમજ જિલ્લા પંચાયત પર પણ કોંગ્રેસનો જ કબ્જો છે. તેથી કોંગ્રેસ આ વખતે આ ગ્રામીણ મતદારો તેનાથી વિમુક્ત ના થઇ જાય તે માટે ગામડે ગામડે નાની નાની સભાઓ યોજી રહી છે. એટલું જ નહીં કોંગ્રેસના જુના જોગીઓ ધારાસભ્ય બન્યા બાદ પણ પક્ષ પ્રત્યે વફાદાર નહિ રહેતાં હોવાની ફરિયાદો કોંગ્રેસી આગેવાનો હાઈકમાન્ડને કરી ચૂક્યાં છે.

તેથી કોંગ્રેસ આ વખતે જુના ને બદલે નવા યુવા ચહેરાઓ પર વધુ વિશ્વાસ કરશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું જિલ્લામાં ગ્રાઉન્ડ લેવલે કોઈ જ સંગઠન નથી, માત્ર ડીસા નગરપાલિકાની એક સીટ જ આમ આદમી પાર્ટી પાસે છે. તેથી તેઓએ કેજરીવાલના ગેરન્ટી કાર્ડ તેમજ બહુમતી વોટર્સ ધરાવતા ચૌધરી-પટેલ સમાજને પોતાની તરફ ખેંચી ચૂંટણી જીતવાની રાજકીય સોંગઠાબાજી ગોઠવી છે.

આમ આદમી પાર્ટીનો સાયલન્ટ કિલર બનવા પ્રયાસ…!
આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ જેવો જ ચમત્કાર ગુજરાતમાં કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેથી બનાસકાંઠામાં ચૌધરી-પટેલ સમાજના વોટબેંક પર તેમની નજર છે, તેથી જ અત્યારસુધી આમ આદમી પાર્ટીએ જિલ્લામાં જે બે સીટો પર ઉમેદવારો ઉતાર્યા તે પણ ચૌધરી-પટેલ સમાજમાંથી જ આવે છે, આ ઉપરાંત જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગની ખૂબ મોટી સંખ્યા છે, તેથી ગરીબોને ફ્રી વીજળી, ફ્રી આરોગ્ય, ફ્રી શિક્ષણની રેવડી આપી કોંગ્રેસ ભાજપના વોટબેન્કમાં ગાબડું પાડવાની નીતિ આમ આદમી પાર્ટીએ અપનાવી છે, જોકે સંગઠન એક પણ ગામમાં નહિ હોવાથી માત્ર ગેરેન્ટીઓના જોરે જિલ્લામાં આમ આદમી પાર્ટી સીટો લાવી શકશે તેવું વિશ્વાસથી કહી શકાય તેમ નથી. પરંતુ જો આમ આદમી પાર્ટીનો આ રાજકીય દાંવ સફળ જાય તો તે જિલ્લામાં ભાજપ કોંગ્રેસના સુપડાં સાફ કરવામાં સાયલન્ટ કિલરની ભૂમિકા પણ ભજવી શકે છે.

ખાટલા બેઠકો અને યુવા આગેવાનોને સાથે રાખી ચૂંટણી જીતવાની કોંગ્રેસની વ્યૂહરચના
આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સાયલન્ટલી પ્રચાર અભિયાન ચલાવી રહી છે.મોટી મોટી સભાઓ ગજવી, ભાજપના નેતાઓ પર પ્રહાર કરવાને બદલે ગામડે ગામડે પ્રત્યેક મતદારોના ઘર સુધી પહોંચવાની વ્યૂહરચના કોંગ્રેસે બનાવી છે. તેમાં પણ કોંગ્રેસે નવા ઉત્સાહી યુવા કાર્યકરો, યુવા આગેવાનોને જોડી તેમને જ કોંગ્રેસના પ્રચાર પ્રસારની જવાબદારી સોંપી છે, એટલુંજ નહી કોંગ્રેસ હાઇકમાન્ડ પક્ષનું કામ કરનાર યુવા આગેવાનોની કદર કરી ટીકીટ આપશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે, તેથી કોંગ્રેસ માટે યુવા આગેવાનો ટિકિટની રેવડી મેળવવા હાલ કોંગ્રેસના પ્રચાર માટે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

તમામ સમાજોનો ગુલદસ્તો બનાવવાની ભાજપની રણનીતિ
દર વખતે ગુજરાતમાં ભાજપ સારું પ્રદર્શન કરી ચૂંટણી જીતે છે,પરંતુ છેલ્લી બે ટર્મથી ભાજપ બનાસકાંઠામાં જોઈએ તેવું પરીણામ મેળવી શક્યો નથી. તેથી આ વખતે ભાજપે રણનીતિ બદલી દરેક ધર્મ અને દરેક સમાજના લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા પ્રયાસો શરૂ કર્યા છે. છેલ્લાં ૨૦ વર્ષોમાં ભાજપે જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લગાવી આયુષમાન ભારત યોજનાના લાભ પ્રત્યેક નાગરિકોને આપ્યા છે, તેનો પ્રચાર પ્રસાર કરી દરેક સમાજનો રાજકીય ગુલદસ્તો બનાવી ચૂંટણી જીતવાની વ્યૂહરચના બનાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.