ઉત્તર ગુજરાતમાં વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદ, કડીમાં 3 મીમી
ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાયું હતું. અસહ્ય ઉકળાટ વચ્ચે દિવસભર અટકી અટકીને ઠેર-ઠેર રોડ ભીના થાય તેવો વરસાદ વરસ્યો હતો. ખેડૂતો વરસાદી વાતાવરણથી તૈયાર થવાને આરે પહોંચેલા પાકોને નુકશાન થવાની ચિંતામાં મૂકાયા છે.
ચોમાસું પુરૂ થયાના ત્રીજા દિવસે ફરી કાળાડિબાંગ વાદળોએ ફરી ચોમાસાની હાજરી પુરાવી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસભર સમયાંત્તરે ઘણાખરા વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. સાંજે 6 વાગ્યાની સ્થિતિએ ઇડરમાં 6 મીમી, કડીમાં 3 મીમી અને વડાલીમાં 1 મીમી પાછોતરો વરસાદ નોંધાયો હતો.
બીજી બાજુ દિવસનું તાપમાન સવા 3 ડિગ્રી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં પારો 33.2 થી 34.1 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તેમ છતાં અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતાં થોડા સમય માટે બનેલી ઠંડક ફરી ઉકળાટમાં ફેરવાઇ હતી. જ્યારે રાત્રીનું તાપમાન 26 ડિગ્રીની આસપાસ પહોંચતાં ઠંડકમાં ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 10 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહી શકે છે. શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ ઝરમીયા વરસાદની શક્યતા છે.