સાબરકાંઠા જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બળવો કરનારા નેતાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર, સાબરકાંઠા ભાજપે પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારા 9 નેતાઓને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
પ્રાંતિજ નગરપાલિકામાં વોર્ડ નંબર 2, 3, 4 અને 6માં બે મહિલા સહિત છ ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 4, 5 અને 6માં એક મહિલા સહિત ત્રણ ઉમેદવારોએ પક્ષ વિરુદ્ધ બળવો કર્યો છે. આ તમામ નેતાઓએ અગાઉ પાલિકામાં વિવિધ હોદ્દાઓ પર રહી સેવા આપી છે.સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં પ્રાંતિજના દિપ્તીબેન બ્રહ્મભટ્ટ, પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કીમતાણી, મંડલ ઉપપ્રમુખ મનોજકુમાર મોદી, પૂર્વ જિલ્લા મંત્રી સોનલબેન મોદી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હાર્દિકકુમાર બ્રહ્મભટ્ટ અને પૂર્વ પ્રમુખ મધુબેન પરમારનો સમાવેશ થાય છે. તલોદમાંથી ગૌતમકુમાર પટેલ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનનકુમાર ત્રિવેદી અને પૂર્વ નગરપાલિકા સભ્ય દીપાબેન કુવાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું કે, પક્ષની શિસ્ત અને નિયમોનું ઉલ્લંઘન કરનારા આ નેતાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ નિર્ણય પ્રદેશ ભાજપની સૂચના અનુસાર લેવામાં આવ્યો છે.