અંબાજી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા સમગ્ર દેશમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ એટલે કે ૭૬માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી સ્થિત જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, ટેબ્લો નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્દબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે તેમણે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. રિહર્સલ પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.