કરોડોનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને 7 દિવસના રિમાન્ડ મંજૂર

કરોડોનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને 7 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુનો નોંધાયા બાદ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે ગઈકાલે CID ક્રાઈમની ટીમે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામના ફાર્મમાંથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડ્યો હતો. જે બાદ તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયા બાદ તેને રાતે ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. જ્યાં CID ક્રાઈમના અધિકારીઓ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની સતત પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહે હિંમતનગર માટે નાણાં ધીરધારનું લાઈસન્સ લીધુ હોવાનો ખુલાસો થયો છે. જ્યારે ભૂપેન્દ્રસિંહને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, ત્યારે તેને લીગલ સર્વિસ ઑથોરિટીમાંથી વકીલની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે CID ક્રાઈમ દ્વારા અલગ-અલગ 29 મુદ્દાઓ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. CID ક્રાઈમ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, BZ ગ્રુપ દ્વારા રોકાણકારો પાસેથી રૂપિયા લીધા બાદ ક્યાં-ક્યાં કેટલું રોકાણ કરવામાં આવ્યું? તેમજ કેટલા રોકાણકારોને કેટલી રકમ પરત કરી? તે દિશામાં તપાસ ચાલી રહી છે. જો કે દલિલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને 7 દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે.

મૂળ સાબરકાંઠાના વતની ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના સાગરિતો સાથે મળીને પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી. જેમાં ઊંચા વ્યાજ સાથેના વળતરની લાલચ આપીને લોકો પાસેથી રૂ. 6 હજાર કરોડ ઉઘરાવી લીધા હતા. જો કે સરકારને ગંધ આવી જતાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની BZ ગ્રુપના એજન્ટો વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઈમમાં GPID એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *