મહેસુલી કર્મીઓની હડતાળને પગલે કામકાજ ઠપ્પ; બનાસકાંઠાના મહેસુલી કર્મચારી ઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. બનાસકાંઠા ના 600 જેટલા મહેસુલી કર્મચારી ઓ આજે માસ સીએલ પર ઉતરી જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
મહેસુલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી, પ્રમોશન સહિતની પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ રહી છે. ત્યારે સરકારે હકારાત્મક પ્રત્યુત્તર ન આપતા આખરે મહેસુલી કર્મચારી ઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે બનાસકાંઠા ના 600 જેટલા મહેસુલી કર્મીઓ માસ સીએલ પર ઉતરી જઈ વિવિધ બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ જતાવ્યો હતો. જોકે, હડતાલને પગલે મામલતદાર, પ્રાંત અને કલેકટર કચેરીમાં મહેસુલીકર્મીઓ કામકાજથી અળગા રહ્યા હતા. જેને લઈને મહેસુલી કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.
મુખ્ય માંગણીઓ; સરકારે મહેસુલી કર્મીઓની માંગણીઓ ન સ્વીકારતા આખરે મહેસુલી કર્મીઓએ રાજ્ય મહેસુલી કર્મચારી મંડળના નેજા તળે આંદોલનનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યુ છે. જોકે, મહેસુલી કર્મીઓની મુખ્ય માગણીઓમાં પ્રમોશન, જિલ્લા ફેર બદલી માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરવી, એલ.આર. કયુ અને એચ.આર.કયુ પરીક્ષાનું આયોજન કરવું, ફીડબેકના આધારે જિલ્લા બદલી બંધ કરવી, નાયબ મામલતદાર સંવર્ગ ની પ્રવરતા યાદી તૈયાર કરવી, સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થા આપવા, રેવન્યુ તલાટીઓ ને નવીન જોબ ચાર્ટ આપવા, પ્રિ સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ સત્વરે જાહેર કરવા સહિતની માંગણી ઓને લઈને મહેસુલી કર્મીઓએ માસ સીએલનો માર્ગ અખત્યાર કર્યો છે.