મિલકત ધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વેરા શાખા દ્વારા સુવિધા ઉપલબ્ધ બનાવી
30 જુન સુધીમાં વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો પાસેથી નોટિસ ફી નહિ વસુલાઈ; પાટણ નગરપાલિકા દ્વારા ગુરુવાર સાંજથી વષૅ 2025-26 ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે એડવાન્સ વેરા ભરપાઈ કરવા વહેલી સવારથી જ મિલકત ધારકો ની ભીડ પાલિકાના વેરા શાખા માં જોવા મળી રહી છે. નગરપાલિકા ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી અને ગાંધી બાગના સેવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી સાંજે 4-30 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે.
આ બાબતે વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધા માટે 6 કાઉન્ટર પર વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. સાથે સાથે QR કોડ દ્વારા પણ મિલકત ધારકો પોતાની એડવાન્સ વેરાની ચુકવણી કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તો એડવાન્સ વેરાની રકમ ભરપાઈ કરનાર મિલકત ધારકોને તા.30 જૂન સુધી પાણી અને ડ્રેનેજ વેરામાં કોઈ પણ પ્રકારની નોટિસ ફી વગર તેઓના વેરા સ્વીકારવામાં આવતા હોય મિલકત ધારકો મિલકત,પાણી અને ડ્રેનેજ પર નોટિસ ફી ની મળતી રાહતને ધ્યાનમાં રાખીને પોતાના એડવાન્સ વેરા ભરવા માટે વહેલી સવારથી જ પાલિકા ની વેરા શાખામાં લાંબી કતારો લગાવી રહ્યા છે.
વેરા શાખામાં એડવાન્સ વેરો ભરપાઈ કરવા આવતાં મિલકત ધારકોને વેરો ભરપાઈ કરવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે વેરા સ્વીકારવા 6 કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હોવાની સાથે ગરમી ને ધ્યાનમાં રાખીને ઠંડા પાણીના કેરબા પણ લોકો માટે મુકવામાં આવ્યા હોવાનું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું.