પાલનપુર પાલિકામાં વહીવટી વડાઓની વારંવારની બદલીથી વહીવટ ખોરંભે: વિવાદોનો પર્યાય બનેલી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં વહીવટી વડા એવા 6 ચીફ ઓફિસરોની બદલી થઇ છે. વહીવટ વડા એવા ચીફ ઓફિસરની વારંવાર થતી બદલી ઓને લઈને પાલિકામાં વહીવટી સ્થિરતા પણ જોવા મળતી નથી.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં ફૂલો અને અત્તરોની નગરી ગંધાઈ ઉઠી છે. પાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં પાલિકાના શાસકો ઉડીને આંખે વળગે તેવું કોઈ કાર્ય કરી શક્યા નથી. ઉલટાનું પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઉણા ઉતર્યા છે. જોકે, પાલિકામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વચ્ચે વહીવટી વડા એવા ચીફ ઓફિસરોની વારંવારની બદલીથી શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાની રાવ ઉઠી છે.
પાલનપુર નગરપાલિકાના ઈમાનદાર ગણાતા ચીફ ઓફિસર નરેશ પટેલે ભ્રષ્ટાચારીઓને તાબે નહિ થતા તેઓ નિવૃત્તિ નજીક હોવા છતાં તેઓની ગાંધીનગર આર.સી.એમ.તરીકે બદલી કરી દેવાઈ છે.અને તેઓના સ્થાને પોસ્ટિંગની રાહમાં હતા એવા જીગર પટેલને મૂકવામાં આવ્યા છે. શહેરના સર્વાંગી વિકાસની સૌથી વધુ જવાબદારી ચીફ ઓફિસરની છે ત્યારે પાલનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા જ અસ્થિર છે. વર્તમાન બોર્ડના હજુ ચાર વર્ષ પૂરાં થવામાં બે મહિનાની વાર છે.ત્યારે જીગર પટેલ છઠ્ઠા ચીફ ઓફિસર છે.
૨૦૨૧માં નવા બોર્ડના આરંભે સતિષ પટેલ ચીફ ઓફિસર હતા. ત્યારબાદ ગૌરાંગ પટેલ, પંકજ બારોટ, નવનીત પટેલ બાદ નરેશ પટેલ આવ્યા હતા. જેઓની પણ બદલી કરાતા હવે જીગર પટેલ તરીકે નવા ચીફ ઓફિસર મુકાયા છે. આમ, 5 વર્ષમાં 6 ચીફ ઓફિસર બદલતા ચીફ ઓફિસરોની વારંવાર થતી બદલીઓ ટોક ઓફ ધ ટાઇન બની છે.
6 મહિનામાં જ બદલી..!: પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ પટેલ નખશિખ ઈમાનદાર ચીફ ઓફિસર હતા. 16 જુલાઈએ હાજર થયેલા નરેશ પટેલે આવતાની સાથે જ કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ સાથે મિટિંગ કરી પોતાના નામે કોઈ વ્યવહાર નહિ કરવાની તાકીદ કરી હતી. આમ, ઇમાનદાર ચીફ ઓફિસર પાલિકાના શાસકોને ખટકતા હતા. જેથી તેઓની માત્ર છ માસમાં બદલી કરી દેવાઈ છે. ત્યારે પાલિકામાં પડ્યા પાથર્યા રહી કોઠા કબાડા કરી કબાડા કુટતા લોકો પોતાના મનસુબાઓ આડે અવરોધ રૂપ બની રોડા નાંખતા ચીફ ઓફિસરની બદલી થી ખુશખુશાલ જણાઈ રહ્યા છે. ત્યારે ભ્રષ્ટ શાસકોના ઓછાયા તળે પાલિકાનો વહીવટ સુધરે તેવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા ન હોવાની રાવ ઉઠી છે.