પાટણ તાલુકાના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લૂંટના કેસમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ગત 25 જૂને મહાલક્ષ્મી પેટ્રોલપંપના મેનેજર વેપારના પૈસા લઈને પાટણ આવી રહ્યા હતા. ગદોસણ ગામ નજીક રાત્રે કેટલાક શખ્સોએ તેમને રોકીને છરી બતાવી ધમકાવ્યા હતા. આરોપીઓએ મેનેજર પાસેથી 89,000 રૂપિયાની રોકડ રકમની લૂંટ કરી હતી.
પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, મેમદપુર, હાંસાપુર અને રામનગર, પાટણના કેટલાક શખ્સો આ લૂંટમાં સંડોવાયેલા છે.ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું કે, આરોપીઓએ 21 જૂન રોજ પણ મીઠીવાવડી ખાતે આ પેટ્રોલપંપના મેનેજરને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લોકો આવી જતાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ 25 મેના રોજ મેનેજરના રૂટની રેકી કરીને લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં લીધેલી રકમ, મોબાઈલ, ગુનામાં વપરાયેલું વાહન અને હથિયાર કબજે કર્યા છે. આરોપીઓ સામે BNSS કલમ 35(1)E, 106 મુજબ કાર્યવાહી કરીને તેમને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પકડાયેલ આરોપીઓ:
ભાવુજી વદનજી વલાજી ઠાકોર, રહે. દુધસાગર ડેરીની પાછળ છાપરામાં, હાંસાપુર, તા.જી. પાટણ.
હિતેષજી અભુજી પ્રતાપજી ઠાકોર, રહે. ઈન્દીરાનગર, મહેમદપુર, તા.જી. પાટણ.
કિર્તીસિંહ પરબતજી તરસંગજી ઠાકોર (ચાવડા), રહે. ચાવડાવાસ, મહેમદપુર, તા.જી. પાટણ.
સંજયજી અગરાજી બબાજી ઠાકોર, રહે. ભેમોસણપુરા, રામનગર, પાટણ, તા.જી. પાટણ.
રાહુલજી કનુજી અરજણજી ઠાકોર, રહે. ભદ્રાડા, રામનગર, પાટણ, તા.જી. પાટણ.
વિશાલજી સેંધાજી બચુજી ઠાકોર, રહે. દુધસાગર ડેરીની પાછળ છાપરામાં, હાંસાપુર, તા.જી. પાટણ.