સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે ગામે ગામ સર્વેક્ષણ
જિલ્લામાં દાંતામાં સૌથી વધુ જ્યારે સુઇગામમાં ઓછા લાભાર્થી નોંધાયા
બનાસકાંઠા જિલ્લામા ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા ગ્રામીણ કક્ષાએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 15 ફેબ્રુઆરી સુધીમાં 53246 લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારો કે જેઓને ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થી માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 હેઠળ તેમને પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરીને ઓન લાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.જેમાં સરકાર દ્વારા આ સર્વેક્ષણમાં વધુમાં વધુ લોકોનું સર્વેક્ષણ થાય અને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ લેવા માટે ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સર્વેક્ષણની કામગીરીમાં તાલુકા કક્ષાએથી નિયુક્ત કરેલ સર્વેયરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 સર્વેની કામગીરી હાલમાં કાર્યરત છે બનાસકાંઠામાં કુલ 954 ગ્રામ પંચાયત છે.
જ્યાં સર્વેની કામગીરી દરમિયાન 15 ફેબ્રુઆરી સુધી અમીરગઢમાં 3615,ભાભરમાં,1452, દાંતામાં 12315, દાંતીવાડામાં 1908, ડીસામાં 6731,દિયોદરમાં 2009,ધાનેરામાં 1557, કાંકરેજમાં 4403, લાખણીમાં 2425,પાલનપુરમાં 3370,સુઇગામમાં 1372,થરાદમાં 5219, વડગામમાં 3378 અને વાવમાં 3482 લાભાર્થીઓનો સર્વે કરાયો છે.
દાંતા તાલુકામાં સૌથી વધુ 12315 લાભાર્થી નોંધાયા; બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વેમાં અત્યાર સુધીમાં 53246 લાભાર્થીઓનો સર્વે કરાયો છે જેમાં સૌથી વધુ દાંતા તાલુકામાં 12315 લાભાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે.