રાજસ્થાનના દૌસા અને જયપુર જિલ્લામાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એક ભાઈ અને બહેન સહિત પાંચ લોકોના મોત થયા છે. આ માર્ગ અકસ્માતોમાં 25 અન્ય લોકો ઘાયલ થયાના અહેવાલ છે. બુધવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, દૌસાના બાલાહેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે એક ટ્રકે બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે મોટરસાઇકલ પર સવાર બે ભાઈ-બહેનોના મોત થયા હતા જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. એસએચઓ ભગવાન સહાયે જણાવ્યું હતું કે પટોલી ગામ નજીક, એક ટ્રકે મંડાવર તરફ બાઇક પર જઈ રહેલા ચાર લોકોને ટક્કર મારી હતી જેમાં બે ભાઈ-બહેનોના મોત થયા હતા.
સ્ટેશન ઓફિસરે જણાવ્યું કે મૃતકોની ઓળખ 18 વર્ષની પૂજા બૈરવા અને તેના 16 વર્ષના ભાઈ રોશન બૈરવા તરીકે થઈ છે. તેમણે કહ્યું કે બાઇક સવાર પિતા મહેશ બૈરવા અને બીજી એક છોકરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બીજી એક ઘટનામાં , મહાકુંભથી હનુમાનગઢ જઈ રહેલી સ્લીપર બસ બુધવારે સવારે પીપલખેડા ગામ પાસે પલટી ગઈ. અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા હતા જ્યારે 14 અન્ય ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલી મહિલાઓની ઓળખ 50 વર્ષીય સુંદર દેવી જાટ અને 65 વર્ષીય ભંવરી દેવી શર્મા તરીકે થઈ છે.
‘૧૨મા ધોરણના વિદ્યાર્થીનું મોત’
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનામાં ઘાયલ થયેલા ૧૪ લોકોમાંથી ચાર ગંભીર રીતે ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બીજા એક અકસ્માતમાં, જયપુર-બિકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 52 પર એક સ્કૂલ બસ ખાડામાંથી પડી ગઈ, જેમાં બસમાં મુસાફરી કરી રહેલા ધોરણ 12 ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું. આ ઘટનામાં 9 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, ‘ચૌમુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીર હનુમાન માર્ગ કલ્વર્ટ પાસે, ડ્રાઇવરે સ્કૂલ બસ પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો. આ અકસ્માતમાં ધોરણ ૧૨ માં ભણતી ૧૮ વર્ષીય કોમલ દેવડાનું મોત થયું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.