રાણપુર અને મહાદેવીયા બાદ છત્રાલા બનાસ નદીના પટમાં ટીમની ઓચિંતી રેડ
બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગુરુવારે વહેલી પરોઢે બનાસ નદીમાં ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર મેગા ઓપરેશન હાથ ધરીને રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસાના છત્રાલા ગામ પાસેથી પાંચ હિટાચી મશીન અને રેતી ભરવા આવેલા ત્રણ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ખાનગી વાહનોમાં ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી બનાસ અને સીપુ નદીમાંથી થતી ગેરકાયદેસર ખનન ચોરીને રોકવા સક્રિય છે. છેલ્લા પાંચ દિવસમાં રાણપુર અને મહાદેવીયા બાદ છત્રાલા ખાતે આ ત્રીજું મોટું ઓપરેશન હતું. ગુરુવારે વહેલી સવારે ખનન ચોરીની અવારનવાર મળતી ફરિયાદોને આધારે, ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી વાહનોમાં અલગ-અલગ ટીમો બનાવી નદી પટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
આ ચેકિંગ દરમિયાન, પાંચ હિટાચી મશીન ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા રંગે હાથે ઝડપાયા હતા. આ ઉપરાંત, સાદી રેતી ભરવા આવેલા ત્રણ ડમ્પર પણ કબજે કરવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગ દ્વારા આશરે રૂ.2.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને દંડનીય વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેને લઈ રેત માફિયા ફફડી ઉઠ્યા છે.
પાંચ દિવસમાં ત્રીજું ઓપરેશન : ભૂસ્તરશાસ્ત્રી, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે ખનીજ ચોરીની ફરિયાદ મળતા જ વહેલી સવારે ટીમો રવાના કરવામાં આવી હતી, જેમાં પાંચ મશીન અને ત્રણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે હવે માપણી કરીને દંડની વસૂલાત કરવામાં આવશે. સારસ્વાએ ભારપૂર્વક જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજું મેગા ઓપરેશન હાથ ધરીને ખનીજ ચોરીને અટકાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખનીજ આવકમાં નોંધપાત્ર વધારો; બનાસ અને સીપુ નદીમાંથી થતી ખનીજ ચોરીને ઝડપવામાં ભૂસ્તર વિભાગને મળેલી સફળતાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જિલ્લાની ખનીજ આવકમાં વિક્રમજનક વધારો નોંધાયો છે. ખનીજ ચોરીના કેસોમાં પણ વધારો થતા તેની આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ભૂસ્તર વિભાગના સતત ચેકિંગને કારણે ખનન માફિયાઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે.