સરસ્વતી તાલુકાના અઘાર ગામ પાસે રામદેવપીરના આશ્રમ નજીક માર્ગ ઓળંગી રહેલા 37 વર્ષીય યુવકને મોટરસાઈકલ ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. તો બનાવ મામલે પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સરસ્વતી તાલુકાના અઘાર ગામના રહેવાસી અને GEB માં ફરજ બજાવતા ગાંડાજી શંકરજી ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આ ઘટના ગતરોજ સાંજના સમયે બની હતી. ગાંડાજી ઠાકોર નોકરી પરથી પરત આવી રહ્યા હતા. ત્યારે તેમના પુત્ર પ્રકાશકુમાર (ઉંમર 37) ઘરનો પંખો રિપેર કરાવવા માટે પિતાને આપવા અઘાર રોડ પર આવેલા રામાપીરના આશ્રમ પાસે આવ્યા હતા. પ્રકાશકુમાર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ડીસા તરફથી GJ 24 BB 0064 નંબરની મોટર સાયકલ લઈ આવી રહેલ ધારેશજી જયંતીજી ઠાકોરે પોતાનું મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને રોડ ક્રોસ કરી રહેલ પ્રકાશકુમારને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં પ્રકાશકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમના નાક અને કાન માંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવક અને બાઈક ચાલક બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ પ્રકાશકુમારને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત સર્જનાર બાઈક ચાલક ધારેશજી ઠાકોર પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સરસ્વતી પોલીસે આ મામલે BNS કલમ 281, 125(a), 125(b), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

