ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાંથી રૂ. ૧,૬૦,૦૦૦ની કિંમતનું ૩૫ ગ્રામ હેરોઈન ઝડપી લઈ નશાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સાત લોકો સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા એસઓજી પોલીસના જવાનો દશરથભાઈ, ખેમાભાઈ, સખાભાઈ, ગલમહંમદ વગેરે નાઈટ પેટ્રોલિંગ કરી વહેલી સવારે સૂર્યોદય સ્કૂલ થાવર રોડ ઉપર તપાસમાં હતા તે દરમિયાન માલોત્રા ગામના એક મોટરસાયકલ સવારના કબજામાંથી ૩૫ ગ્રામ હિરોઈન જપ્ત કર્યું હતું.
આ સાથે રૂ. ૫,૦૦૦ની કિંમતનો એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને રૂ. ૨૫,૦૦૦ની કિંમતનું એક બાઈક પણ કબ્જે કરવામાં આવ્યું હતું. આમ, કુલ રૂ. ૧,૯૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ પ્રથમ વખત બન્યું છે કે હેરોઈન મંગાવનાર, તેનો ઉપયોગ કરનાર, લાવનાર અને આપનાર એમ તમામ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા એક આરોપીને ધાનેરા પોલીસ મથકે સોંપી દીધો છે અને આ કેસમાં સંડોવાયેલા વિક્રમભાઈ દિનેશભાઈ લુહાર રહે.માલોતરા, ઓમજીભાઈ વિશનોઈ હરેશભાઈ ઉર્ફે અચૂક નટવરભાઈ ગલચર, તુલસીભાઈ, હિતેશ સોની, અરવિંદ ઉર્ફે ભુરજી રબારી રહે. સામરવાડા, કેહરાભાઈ રબારી, રફીકખાન મીર તમામ રહે.ધાનેરાવાળાઓ સામે ધાનેરા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. આ કાર્યવાહીથી જિલ્લામાં નશાના કારોબાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

