પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 23 થી 30 માર્ચ 2025 દરમિયાન યોજાયેલ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓ જેમ કે વિશ્વ હવામાન દિવસની ઉજવણી, ડ્રોન ટેક્નોલોજી અને રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાના સાધનો અને માનવ શરીર રચના પર વર્કશોપ, અર્થ અવર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ, તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતને ઉજાગર કરતા ‘ડાયનાસોરનો અંત’, ‘મંગલ ગ્રહ’, ‘પૃથ્વીની ઉત્ક્રાંતિ’, ‘પાણીનું મહત્વ’, ‘ઉર્જા બચાવો’ અને ‘વિવિધ રોગો અને તેના લક્ષણો’ જેવા વિષય પર વૈજ્ઞાનિક- શો યોજાયા. જેમાં 11 જિલ્લાઓમાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલી 39 શાળાઓના 2400 જેટલાવિદ્યાર્થીઓ અને શિક્ષકો, તેમજ 600 જેટલા સામાન્ય લોકોએ મળીને કુલ 3000 થી વધુ સહભાગીઓએ આ પ્રયોગાત્મક અને શૈક્ષણિક કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ ઉનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભ્યાસ માટે અનોખી તક મળી શકે તે માટે સાયન્સ સેન્ટર પાટણ અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29 એપ્રિલથી 7 જૂન 2025 દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025 નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એ.આઈ અને રોબોટિક્સ,જૈવવિવિધતા,જિનેટિક્સ,કોડિંગ,ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા છ વિષય આવરી લેવાશે. દરેક કેમ્પ પાંચ દિવસનો રહેશે જેમાં પ્રથમ તબક્કો 29 એપ્રિલથી 3 મે 2025 દરમિયાન યોજાશે.વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વર્કશોપ,ગેલેરી આધારિત એક્ટિવિટીઓ,આકાશ દર્શન,સૂર્ય દર્શન, વૈજ્ઞાનિક ફિલ્મો,ગેમ્સ અને સ્પર્ધાઓ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે. સમર સાયન્સ કેમ્પમાં નોંધણી માટે છેલ્લી તા.24 એપ્રિલ 2025 સાંજે 5 વાગ્યા સુધી રહેશે તેવું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતું.