અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ના દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની યાદમાં, તમિલનાડુના મદુરાઇમાં 270 છોડ રોપવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી થયેલા આ અકસ્માતમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી 241 લોકો માર્યા ગયા હતા, જેમાં પાંચ MBBS વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
આ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ સ્થાનિક ઇજનેર ચોલન ગુબેન્દ્રન દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેમના પર્યાવરણીય પ્રયાસો અને એક લાખથી વધુ છોડ રોપવા માટે જાણીતા છે. જિલ્લાના સ્વયંસેવકો આ પહેલમાં જોડાયા હતા, અને ભારતમાં સૌથી વિનાશક હવાઈ આપત્તિઓમાંની એક બની ગયેલી ઘટનાના ભોગ બનેલા લોકોના સન્માનમાં દરેક છોડ રોપ્યો હતો.
ચોલન ગુબેન્દ્રને કહ્યું કે આ કાર્ય દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પ્રતીકાત્મક રીતે પુનર્જીવિત કરવાનો એક માર્ગ હતો. આ અમારું દાન છે. મને વિશ્વાસ છે કે તેમની સ્મૃતિ આ વૃક્ષો દ્વારા જીવંત રહેશે, જે અન્ય લોકોને ઓક્સિજન અને જીવન પ્રદાન કરશે, તેવું તેમણે કહ્યું હતું.
દુર્ભાગ્યપૂર્ણ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે અમદાવાદના મેઘાણીનગરમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં તૂટી પડ્યું. આ દુર્ઘટનાને કારણે ભીષણ આગ લાગી હતી, જેના કારણે વિમાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. વિમાનમાં સવાર 230 મુસાફરો, બે પાઇલટ અને દસ ક્રૂ સભ્યો હતા. ભારતીય મૂળનો એક બ્રિટિશ નાગરિક ચમત્કારિક રીતે બચી ગયો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.