શોભાયાત્રામાં બાળકોએ તલવારબાજીના દાવ રજૂ કર્યા
ડીસા શહેરમાં આજે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સંત શિરોમણી પૂજ્યશ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ડીસાના રાજમાર્ગો ‘જય જલારામ, જય જલારામ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા, જેમાં હજારો ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શહેરના ઐતિહાસિક જલારામ મંદિર ખાતે સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જલારામ મંદીર ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ પૂજા-અર્ચના, હવન-યજ્ઞ અને ભજન-કીર્તનનો સમાવેશ થાય છે. માનવસેવાના ભાગરૂપે મંદિરે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.જલારામ મંદીર ટ્રસ્ટ દ્વારા ડીસાના ટીસીડી ફાર્મ ખાતે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા શહેરની મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ પ્રસાદનો લાભ લીધો હતો.
બપોર બાદ ડીસા જલારામ બાપાના મંદિરથી શહેરના મુખ્ય રાજમાર્ગો પર એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની હતી. શોભાયાત્રામાં નાના બાળકોએ વિવિધ દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.ખાસ કરીને, નાની દીકરીઓએ તલવારબાજી અને લાઠીદાવ જેવા આકર્ષક કરતબો રજૂ કરીને લોકોના દિલ જીતી લીધા હતા અને પોતાના કૌશલ્યનો પરિચય કરાવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન સ્વયંસેવકો ખડેપગે રહીને સેવાઓ પૂરી પાડી હતી.આમ, ડીસામાં જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની ઉજવણી ધર્મ, આસ્થા અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ભવ્ય રીતે સંપન્ન થઈ.


