દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ ૪૬૩ વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી જેમાં ૨૯૮ વિદ્યાર્થીઓને સ્નાતક, ૧૧૧ વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ૫૪ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી જયારે મહાનુભાવોના હસ્તે કુલ ૩૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

આ પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફત આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ,રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ.

મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે કપાસ, તેલીબીયા, મસાલા પાકો અને બાગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખી છે. ગુજરાત સરકાર પણ ખેડૂતોને કૃષિના તમામ પાસાઓમાં જરૂરી તમામ સહાય કરી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા હર હંમેશા કટિબદ્ધ છે. ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પણ હર હંમેશા નવીન સંશોધન કરીને ખેડૂતોના આર્થિક વિકાસ માટે સહભાગી બને છે. સરકાર આઈ-ખેડૂત પોર્ટલ માધ્યમથી સબસિડી, પી.એમ.કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓ થકી ખેડૂતોનો સર્વાંગી વિકાસ સાધવા કટિબદ્ધ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર ફોર નોર્થ ગુજરાત, કચ્છ ખાતે કૃષિ કોલેજ, ખેડબ્રહ્મા અને થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાને મંજૂરી આપેલ છે.

પદવીદાન સમારંભમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણે જણાવ્યું કે, દેશમાં ૭૦ ટકા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે. કૃષિ એ લાખો લોકોના જીવનનો આધારસ્તંભ છે જ્યાં ટેક્નોલોજી, સંશોધનો અને ખેતપેદાશોના મૂલ્યવર્ધન થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે ડિગ્રી લેતા વિદ્યાર્થીઓને કામ કરવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે વિધાર્થીઓને કહ્યું કે, આજે તેઓ ફક્ત ડિગ્રી નથી મેળવી રહ્યા પરંતુ તમારા જ્ઞાન, કૌશલ્ય અને આવડતનો ઉપયોગ કરી ખાસ કરીને સમાજ અને ખેડૂતો તથા ગામડાઓનો વિકાસ કરવા જણાવ્યું હતું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે જેના સારા પરિણામ પણ મળ્યા છે. પ્રાકૃતિક ખેતી, પુનઃપ્રાપ્ય ઉર્જા અને સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમને અપનાવીને એક સ્વસ્થ અને સ્વચ્છ પેઢીનું નિર્માણ કરી શકાશે તેવું તેમણે વિધાર્થીઓને જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *