આસો મહિનાના વદ પક્ષની ચોથ એટલે કરવા ચોથના પવિત્ર અવસરે શુક્રવારે પાટણ શહેરમાં નાણાવટી સ્કૂલ પાસે 200 જેટલી સૌભાગ્યવતી મહિલાઓએ સમૂહમાં પૂજન-અર્ચન કર્યું હતું. પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે મહિલાઓએ નિર્જળા વ્રત રાખીને આ ઉજવણી કરી હતી. આ વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ પૂર્ણ થાય છે. મહિલાઓ સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ધ્ય અર્પણ કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને વ્રત ખોલે છે.
આ દિવસે કરવા માતા, ભગવાન શિવ, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય ની પૂજા કરવામાં આવે છે.પાટણના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહમાં કરવા ચોથની પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત સુભાષચોક વિસ્તારની આશરે 200 મહિલાઓએ એકસાથે પૂજા કરી વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.

