વેરા બાકીદારો સામે નગર પાલિકાની કડક કાર્યવાહી; ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ડીસાના ગવાડી વિસ્તારમાં ત્રણ દુકાનો સીલ કરવામાં આવી છે. જ્યારે પાંચ મકાનોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા અત્યાર સુધી 20 દુકાનો સીલ તેમજ 20 થી વધુ મકાનોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કાર્યવાહી દરમિયાન બાકીદારોને નોટિસો પાઠવવામાં આવી હતી તેમજ વર્ષોથી વેરા ન ભરતા રીઢા બાકીદારોને નોટિસો પાઠવી સમય મર્યાદામાં વેરો ભરવા જણાવ્યું હતું. જેમાં કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની તેમજ રહેણાંક મકાનોમાં પાણી જોડાણ કાપવાની ચીમકી આપવામાં આવી હતી.તેમ છતાં પણ અનેક મિલકતદારો વેરો ભરવા ન આવતા નગરપાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડીસા નગરપાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ પટેલ અને ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ રાજેશભાઈ કોટક સહિતની ટીમ દ્વારા મિલકત વેરો વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં અત્યાર સુધી નગરપાલિકા દ્વારા કુલ 20 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે. જ્યારે 20 થી વધુ મકાનોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. પાલિકાની આ કાર્યવાહીથી વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.